કલકત્તામાં ટચ કરતા અને ભેટતા લોકોને કારણે અકળાયેલા મેસીએ સમય પહેલાં સ્ટેડિયમ છોડ્યું હતું

22 December, 2025 12:42 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

GOAT ઇન્ડિયા ટૂર 2025ના ઑર્ગેનાઇઝર સતાદ્રુ દત્તાનો ખુલાસો...

GOAT ઇન્ડિયા ટૂર 2025ના ઑર્ગેનાઇઝર સતાદ્રુ દત્તા સાથે મેસી

GOAT ઇન્ડિયા ટૂર 2025ના મુખ્ય આયોજક સતાદ્રુ દત્તાએ પોલીસ-કસ્ટડીમાં પૂછપરછ દરમ્યાન મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં લીઅનલ મેસી કેમ અધવચ્ચેથી પરત ફર્યો એનું કારણ જણાવતાં તેણે કહ્યું હતું કે ‘લોકો તેને સ્પર્શ કરતા હતા અને ગળે લગાડતા હતા એટલે એનાથી અકળાઈને મેસી સ્ટેડિયમ છોડીને ચાલ્યો ગયો હતો.’

સતાદ્રુ દત્તાએ વધુમાં કહ્યું હતું કે કેટલાક મોટા લોકોએ મેદાન પરના ઍક્સેસ કાર્ડની સંખ્યા ત્રણ ગણી કરવા પ્રેશર કર્યું હતું જેના કારણે કાર્યક્રમમાં અરાજકતા ફેલાઈ હતી. કલકત્તાની ઇવેન્ટ દરમ્યાન સતાદ્રુ દત્તાએ વારંવાર માઇકમાં જાહેરાત કરીને લોકોને મેસીથી દૂર રહેવાની અપીલ કરી હતી. જોકે મેસીની આજુબાજુની ભીડ વધતાં ઇવેન્ટ પહેલાંથી નક્કી કરેલા ક્રમ અનુસાર ચાલી શકી નહોતી. 

મેસીને ઇન્ડિયા ટૂર માટે ૮૯ કરોડ રૂપિયા મળ્યા

લીઅનલ મેસીએ GOAT ઇન્ડિયા ટૂર 2025 માટે ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયા લીધા હશે એવી ચર્ચા હતી. જોકે પોલીસ-તપાસમાં સતાદ્રુ દત્તાએ કહ્યું હતું કે મેસીને ૮૯ કરોડ રૂપિયા મળ્યા છે અને ૧૧ કરોડ રૂપિયા સરકારને ટૅક્સ તરીકે ચૂકવવામાં આવ્યા હતા.

આયોજક સતાદ્રુ દત્તાના ઘરે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇવેન્ટ સંબંધિત ૧૦૦ કરોડ રૂપિયાની શંકાસ્પદ નાણાકીય ગેરરીતિઓની તપાસ થઈ રહી છે. પોલીસે દાવો કર્યો હતો કે મેસી સાથે ફોટોગ્રાફ લેવા માટે ૧૦થી ૩૦ લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવ્યો હતો. જોકે કોઈ ઑફિશ્યલ રેકૉર્ડ મળ્યો નથી.

lionel messi kolkata football sports sports news