Sports Update : યુએસ ઓપનમાં ન્યુઝપેપરના કટિંગવાળો અનોખો ડ્રેસ પહેરીને નાઓમી ઓસાકાએ મારી એન્ટ્રી

02 September, 2026 09:29 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

યુએસ ઓપન ૨૦૨૬માં નાઓમી ઓસાકાએ પહેલા રાઉન્ડમાં જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી. જોકે, મેચ કરતાં તેના ન્યુઝપેપર પ્રિન્ટવાળા અનોખા ડ્રેસે વધુ ચર્ચા જગાવી હતી.

નાઓમી ઓસાકા

યુએસ ઓપન 2026ના મહિલા સિંગલ્સમાં ગઈ કાલે જપાનની ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકાએ રશિયાની અનાસ્તાસિયા ઝાખારોવાનીને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. પહેલા રાઉન્ડમાં તેની રમતને બદલે તેનો લુક અને ડ્રેસ વધારે ચર્ચામાં રહ્યો હતો. 
૨૮ વર્ષની નાઓમી ઓસાકાએ લાંબું સફેદ સ્કર્ટ અને ન્યુઝપેપરમાં છપાયેલા પોતાના સમાચારના ટુકડા જોડીને તૈયાર કરેલો એક હૂડીવાળો ઝભ્ભો પહેર્યાં હતાં. 
યુએસ ઓપન સિંગલ્સ ઇવેન્ટના ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ એવા સ્પેનના કાર્લોસ અલ્કારાઝ અને બેલારુસની આર્યના સબાલેન્કાએ પણ યુએસ ઓપનનો પહેલો રાઉન્ડ જીતીને વિજયી શરૂઆત કરી હતી. 

ઑસ્ટ્રેલિયાની વન-ડે ટીમમાંથી માર્નસ લબુશેન ડ્રૉપ

ઑસ્ટ્રેલિયન ટીમ આગામી ૧૫ સપ્ટેમ્બરથી ઝિમ્બાબ્વે સામે અને ૨૪ સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ત્રણ-ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. આ બન્ને સિરીઝ માટે ગઈ કાલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ૧૭ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી છે. 
ટીમના સ્ટાર ટૉપ-ઑર્ડર બૅટર માર્નસ લબુશેનને ડ્રૉપ કરવામાં આવ્યો છે. તેણે પાકિસ્તાનની ત્રણ વન-ડે મૅચની ટૂર પર ફક્ત ૨૪ રન કર્યા હતા, જ્યારે બંગલાદેશ સામેની પાંચ મૅચની સિરીઝમાં ૧૨૧ રન કર્યા હતા. ૭૨ વન-ડે મૅચમાં બે સદી અને ૧૩ ફિફ્ટીની મદદથી તેણે ૧૯૮૦ રન કર્યા છે. 
ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડ આગામી બન્ને વન-ડે સિરીઝમાં રમશે, જ્યારે ફાસ્ટ બોલર પૅટ કમિન્સ અને મિચલ સ્ટાર્ક માત્ર સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ રમશે. પૅટ કમિન્સની ગેરહાજરીમાં ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં મિચલ માર્શ ટીમની કમાન સંભાળશે. 

બેન સ્ટોક્સનું એક દાયકા પછી બિગ બૅશ લીગમાં કમબૅક

ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ હવે ફરી એક વખત વિદેશી T20 લીગોમાં રમતો જોવા મળશે. હાલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનાર બેન સ્ટોક્સ ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગની આગામી સીઝનમાં રમશે. તે છેલ્લી વખત ૨૦૧૪-’૧૫માં બિગ બૅશ લીગમાં રમ્યો હતો. 
અહેવાલ અનુસાર બેન સ્ટોક્સે ઍડીલેડ સ્ટ્રા​​ઇકર્સ સાથે આશરે ૩.૪૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. ૩૫ વર્ષનો બેન સ્ટોક્સ આ લીગમાં માત્ર મેલબર્ન રેનેગેડ્સ માટે 
૨૦૧૪-’૧૫ની સીઝનમાં રમ્યો હતો, જેમાં તેણે ૪ મૅચ રમીને ૧૨૮ રન કરવાની સાથે ૩ વિકેટ લીધી હતી.

બિગ બૅશ લીગની મૅચોની ઝડપ વધારવા નવો પાવરપ્લે નિયમ જાહેર

બિગ બૅશ લીગ (BBL)માં મૅચોની ગતિને ઝડપી બનાવવા માટે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સ્લો ઓવર-રેટ સંબંધિત એક નવો નિયમ રજૂ કર્યો છે. ૨૦૨૬-’૨૭ સીઝનથી ટીમોએ ૮૪ મિનિટની અંદર તેમની ૨૦ ઓવર પૂર્ણ કરવાની રહેશે. 
જો ફાળવવામાં આવેલો ૮૪ મિનિટનો સમય સમાપ્ત થાય છે તો બાકીની ઇનિંગ્સ માટે આગામી બૉલથી જ સંપૂર્ણ પાવરપ્લે નિયમો લાગુ થશે, એટલે કે ફીલ્ડિંગ સર્કલની બહાર ફક્ત બે ફીલ્ડરોને જ મંજૂરી આપવામાં આવશે. વિમેન્સ બિગ બૅશ લીગમાં આ સમય મર્યાદા ૭૮ મિનિટ ૪૫ સેકન્ડની રહેશે. 

ક્વીન્સપાર્ક ઓવલમાં બ્રાવો, પોલાર્ડ અને નારાયણના નામના સ્ટૅન્ડનું અનાવરણ થયું

ક્રિકેટ-ઇતિહાસમાં ભાગ્યે જ બની હોય એવી ઘટના સોમવારે મોડી રાતે વેસ્ટ ઇન્ડીઝના ક્વીન્સપાર્ક ઓવલ ખાતે બની છે. કૅરિબિયન પ્રીમિયર લીગ 2026માં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સના હેડ કોચ ડ્વેઇન બ્રાવો અને ઑલરાઉન્ડર્સ કાયરન પોલાર્ડ, સુનીલ નારાયણ એમ ત્રણેયના નામના એક જ સ્ટૅન્ડનું અનાવરણ કરવામાં આવ્યું છે.
ટાપુ દેશ ત્રિનિદાદ અને ટ્રિનબાગોના ૬૪મા સ્વતંત્રતાદિવસ નિમિત્તે ક્વીન્સપાર્ક ક્રિકેટ ક્લબે આ ત્રણેયને સન્માનિત કર્યા હતા. અગાઉ આ સ્ટૅન્ડ ટ્રિની પૉસી નામે ઓળખાતું હતું. T20 ક્રિકેટમાં હાલમાં કાયરન પોલાર્ડ હાઇએસ્ટ રન-સ્કોરર છે, જ્યારે રાશિદ ખાન પછી સુનીલ નારાયણ અને ડ્વેઇન બ્રાવો હાઇએસ્ટ વિકેટટેકર બોલર્સ છે. 

વિમેન્સ એશિયા કપની ડેબ્યુ મૅચમાં ઇન્ડોનેશિયા ૫૮ રનમાં તંબુભેગું

દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં સોમવારે મોડી રાતે બંગલાદેશ અને ઇન્ડોનેશિયા વચ્ચે વિમેન્સ T20 એશિયા કપની મૅચ રમાઈ હતી. એશિયા કપમાં ડેબ્યુ કરનાર ઇન્ડોનેશિયા અગિયારમી ટીમ બની હતી. જોકે પહેલી જ મૅચમાં ઇન્ડોનેશિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 
બંગલાદેશે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૨૯ રન કર્યા હતા. ૧૩૦ રનના ટાર્ગેટના જવાબમાં ઇન્ડોનેશિયા ૧૭.૩ ઓવરમાં ૫૮ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. ૭૧ રનની જીત સાથે ૨૦૧૮ની ચૅમ્પિયન ટીમ બંગલાદેશે લીગમાં વિજયી શરૂઆત કરી હતી.

us open tennis news fashion new york new york city united states of america sports news sports