11 June, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્માર્ટબૉલ
એક સદીથી વધુ સમયથી ફુટબૉલ ફક્ત ખેલાડીઓ માટે લાત મારીને રમવાની વસ્તુ રહી છે, પણ હવે એવું નથી રહ્યું. વર્લ્ડ કપ 2026માં ટ્રાયોન્ડા નામના એક સ્માર્ટ ફુટબૉલનો ઉપયોગ થશે. આ બૉલ મૅથેમૅટિક્સ, ઍરોડાયનૅમિક્સ અને ડિજિટલ ઑફિએટિંગ સિસ્ટમથી બનેલી એન્જિનિયર્ડ મશીન જેવો છે.
સ્પૅનિશ શબ્દ ટ્રાયોન્ડાનો અર્થ ત્રણ તરંગ થાય છે. આ બૉલ પર અમેરિકા, કૅનેડા અને મેક્સિકોના પ્રતિનિધિત્વ કરતા લાલ, લીલો અને વાદળી રંગ જોવા મળશે. વર્લ્ડ કપની ટ્રોફીની નિશાનીરૂપ એમાં ગોલ્ડ કલર પણ જોવા મળશે.
આ નવો બૉલ ઇન્ટિગ્રેટેડ મોશન-સેન્સિંગ ટેક્નૉલૉજી સાથે એક નવું પરિમાણ રજૂ કરે છે જે સ્ટેડિયમ ટ્રૅકિંગ સિસ્ટમ્સ સાથે મળીને કામ કરે છે. આ પ્રગતિ દર્શાવે છે કે ફુટબૉલમાં પ્રદર્શન અને રેફરીની ચોકસાઈ વધારવા માટે સાધનોની નવીનતા કેવી રીતે અપનાવવામાં આવી રહી છે.
આ બૉલ AI અને સ્ટેડિયમ કૅમેરા સાથે કામ કરીને મૅચનું લાઇવ 3D મૉડલ બનાવશે જેનાથી રેફરી ઑફ-સાઇડ, હૅન્ડબૉલ અને ગોલલાઇનની ઘટનાઓ સંબંધિત નિર્ણયોની ઝડપથી સમીક્ષા કરીને નિર્ણય લઈ શકશે.
કોઈ પણ સ્માર્ટ ડિવાઇસની જેમ આ બૉલને પણ પાવરની જરૂર પડે છે એટલે કે રમત દરમ્યાન બધી ટ્રૅકિંગ-ટેક્નૉલૉજી યોગ્ય રીતે કાર્ય કરે છે એની ખાતરી કરવા માટે મૅચ શરૂ થાય એ પહેલાં બૉલને ચાર્જ કરવો આવશ્યક છે. એની આંતરિક બૅટરી ટ્રૅકિંગ-સિસ્ટમને લગભગ ૬ કલાક સુધી પાવર આપે છે.
સ્ટેડિયમમાં પ્લાસ્ટિક હૉર્ન, સિસોટી અને પાણીની બૉટલ લઈ જવા પર પ્રતિબંધ
ફુટબૉલની સંચાલક સંસ્થા FIFAએ સુરક્ષાના કારણસર ચાહકો માટે વર્લ્ડ કપ દરમ્યાન સ્ટેડિયમની આચારસંહિતામાં ફેરફાર કર્યો છે. FIFAએ ચાહકોને સ્ટેડિયમમાં ફરીથી વાપરી શકાય એવી પાણીની બૉટલ લાવવાની પણ મનાઈ ફરમાવી છે. અમેરિકા સહિતના ત્રણેય યજમાન દેશોમાં ગરમીને ધ્યાનમાં રાખીને મૅચ દરમ્યાન હાઇડ્રેશન સ્ટેશન અને કૂલિંગ ટેન્ટ પૂરાં પાડવામાં આવશે. બેબી મિલ્ક અને મેડિકલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક છૂટછાટ આપવામાં આવશે.
લાંબાં પ્લાસ્ટિક હૉર્ન અને સિસોટીઓ સહિતનાં સંગીતનાં વાદ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે એ ભારે ઘોંઘાટિયાં હોય છે અને આવાં વાદ્યો વગાડીને અન્યોને હેરાન કરનારા લોકોની તુલના મધમાખીના ટોળા સાથે કરવામાં આવે છે.
આજે રાતથી શરૂ થઈ રહેલા ફુટબૉલ વર્લ્ડ કપ પહેલાં નેધરલૅન્ડ્સમાં ઑરેન્જ ફીવર છવાઈ ગયો હતો. નૅશનલ ટીમના સપોર્ટ માટે ત્યાંની ગલીઓને એમના રાષ્ટ્રીય કલર ઑરેન્જથી સજાવી દેવામાં આવી છે. ઘરોની દીવાલ, લાઇટના થાંભલા, ઝાડ વગેરે બધું જ ઑરેન્જ ઝંડાઓથી અને લાઇટિંગથી ચમકી રહ્યું છે. દરેક વર્લ્ડ કપ વખતે તેઓ આવા જ ઉત્સાહ સાથે એકતા દર્શાવે છે.