સાઉથ આફ્રિકા અને કૅનેડાની મૅચથી થશે નૉકઆઉટ રાઉન્ડની શરૂઆત

26 June, 2026 10:11 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

ફુટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસમાં બન્ને ટીમ પહેલી વખત નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી

ફુટબૉલ વર્લ્ડ કપમાં પહેલી વખત નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની ઉજવણી કરતા સાઉથ આફ્રિકા

૨૯ જૂનથી ફુટબૉલ વર્લ્ડ કપમાં રાઉન્ડ ઑફ 32 એટલે કે નૉકઆઉટ રાઉન્ડની શરૂઆત થઈ રહી છે. આ રાઉન્ડની પહેલી જ મૅચ સાઉથ આફ્રિકા અને કૅનેડા વચ્ચે રમાશે. તેઓ પહેલી વખત નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યાં છે. સાઉથ આફ્રિકા અગાઉ ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૧૦નો વર્લ્ડ કપ રમીને ગ્રુપ-સ્ટેજમાંથી જ આઉટ થઈ ગયું હતું. કૅનેડા પણ પોતાના અગાઉના બે વર્લ્ડ કપમાં ૧૯૮૬ અને ૨૦૨૨માં ગ્રુપ-સ્ટેજ સુધી જ રમી શક્યું હતું.

સ્વિટ્ઝરલૅન્ડ સામે ગઈ કાલે ૧-૨ની હાર છતાં કૅનેડાએ ગ્રુપ Bમાં બીજું સ્થાન જાળવી રાખ્યું હતું. પહેલા ક્રમની સ્વિટ્ઝરલૅન્ડ ટીમ ૧૩મો વર્લ્ડ કપ રમી રહી છે અને ૧૦મી વખત નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે. કતર સામે ૩-૧ની જીત સાથે બોસ્નિયા-હર્ઝેગોવિના ટીમે આ ગ્રુપમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે અને રેસમાં હજી ટકી રહી છે. આ ટીમે ૧૨ વર્ષ બાદ વર્લ્ડ કપ જીત નોંધાવી છે.

મેક્સિકો ગઈ કાલે ચેક રિપબ્લિક સામે ૩-૦થી જીત નોંધાવીને હૅટ-ટ્રિક વિજય સાથે ગ્રુપ Aમાં પહેલા ક્રમે રહ્યું હતું. સાઉથ આફ્રિકાએ સાઉથ કોરિયાને ૧-૦થી હરાવીને બીજો ક્રમ મેળવ્યો હતો. સાઉથ કોરિયા એક જીત અને બે હાર સાથે આ ગ્રુપમાં ત્રીજા ક્રમે છે.

બ્રાઝિલ માટે ૯૮૧ દિવસ બાદ વાપસી કરનાર નેમાર રડી પડ્યો

ગ્રુપ Cમાં સ્કૉટલૅન્ડને ૩-૦થી હરાવીને બ્રાઝિલે ગ્રુપ Cમાં પહેલા ક્રમે પહોંચવાનું અભિયાન સમાપ્ત કર્યું છે. છેલ્લા ૧૨ વર્લ્ડ કપથી બ્રાઝિલ પોતાના ગ્રુપમાં ટૉપ પર રહ્યું છે. સ્કૉટલૅન્ડ એક જીત અને બે હાર સાથે ત્રીજા ક્રમે છે. હૈતી સામે મોરોક્કોએ ૪-૨ની જીત સાથે આ ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું છે. બ્રાઝિલનો સ્ટાર પ્લેયર નેમાર જુનિયર ગઈ કાલે ચોથી વખત વર્લ્ડ કપ રમવા ઊતર્યો હતો. મૅચની ૭૬મી મિનિટે મેદાન પર ઊતરેલો નેમાર ૯૮૧ દિવસ બાદ બ્રાઝિલ માટે વાપસી કરીને ભાવુક જોવા મળ્યો. ઑક્ટોબર ૨૦૨૩થી ઇન્જરીઓને કારણે તે બ્રાઝિલ માટે રમી શક્યો નહોતો.

કઈ ટીમ આગળ વધી અને કઈ આઉટ થઈ?

કૅનેડાના પ્લેયર્સ

ફુટબૉલ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા, કૅનેડા, બ્રાઝિલ, જર્મની, મોરોક્કો, મેક્સિકો, અમેરિકા, સ્વિટ્ઝરલૅન્ડ, આર્જેન્ટિનાએ રાઉન્ડ ઑફ 32માં નામ પાકું કર્યું છે. હૈતી, ટર્કી, ટ્યુનિશિયા, પનામા, જૉર્ડન, કતર, ચેક રિપબ્લિક ગ્રુપમાં ચોથા ક્રમે રહીને રેસમાંથી આઉટ થયાં છે. 

fifa world cup football south africa canada sports news sports