મેદાન પર મોઢું ઢાંકીને પ્લેયર કંઈક બોલશે તો સીધું રેડ કાર્ડ મળી જશે

11 June, 2026 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખેલાડીઓના વર્તનને સુધારવા નિયમોમાં ઐતિહાસિક ફેરફાર...

મેદાન પર મોઢું ઢાંકીને પ્લેયર કંઈક બોલશે તો સીધું રેડ કાર્ડ મળી જશે

ફુટબૉલની કાયદા-નિર્માતા સંસ્થા ઇન્ટરનૅશનલ ફુટબૉલ અસોસિએશન બોર્ડ (IFAB) દ્વારા વર્લ્ડ કપ પહેલાં નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય મૅચમાં સમય બરબાદ થતો અટકાવવાનો અને ખેલાડીઓના વર્તનને સુધારવાનો છે. આ વર્લ્ડ કપમાં રેફરીઓ ખેલાડીઓ અને સપોર્ટ-સ્ટાફને આ નિયમોનું કડક પાલન કરાવતા જોવા મળશે.

થ્રો-ઇન અને ગોલ-કિક કાઉન્ટડાઉન પાંચ સેકન્ડનું રહેશે. સમયમર્યાદા પૂરી થવા છતાં ખેલાડી જો બૉલનો કબજો ન છોડે તો વિરોધી ટીમને અનુક્રમે બૉલને નિયંત્રણ કરવાની અને કૉર્નર કિક લેવાની મંજૂરી મળશે. સબસ્ટિટ્યુશન એટલે ખેલાડીઓને બદલવાની પ્રક્રિયા ૧૦ સેકન્ડમાં પૂરી કરવી પડશે. જો મેદાનની અંદરનો ખેલાડી વિલંબ કરશે તો અવેજીના ખેલાડીને એક મિનિટ સુધી બહાર રહેવું પડશે અને એ ટીમે ૧૦ ખેલાડીઓ સાથે કામ ચલાવવું પડશે.

જો ખેલાડીને ઇન્જરી થાય છે તો તેને ઑફ-ફીલ્ડ ટ્રીટમેન્ટ માટે ૬૦ સેકન્ડનો સમય મળશે. જો ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે ત્યારે મોટા ભાગના ખેલાડીઓ મોઢું છુપાવીને અભદ્ર કમેન્ટ કરતા હોય છે. આવા વિવાદ સમયે મોઢું છુપાવવા પર રેફરી રેડ કાર્ડ આપી શકશે. જાતિગત કે અપમાનજનક કમેન્ટ થાય ત્યારે ખેલાડીઓ ક્રૉસ આર્મનો સંકેત કરીને રેફરીને જાણ કરી શકશે.

રેફરીના બૉડી-કૅમેરાથી પ્લેયર્સની ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવશે. રોબો-ડૉગ મૅચમાં તોફાન મચાવનાર ફૅન્સનો લાઇવ વિડિયો સુરક્ષાકર્મીઓને પૂરો પાડશે.

fifa world cup football sports news sports news