પ્લેયર્સની ઈજાએ ફિફા વર્લ્ડ કપની ટીમોની શરૂઆતમાં જ બગાડી મજા

21 November, 2022 12:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ત્રણ દિવસ પહેલાં ફિફા વર્લ્ડ કપમાંથી સૅડ્યો મેને ઈજાને કારણે આઉટ થઈ જતાં સેનેગલને મોટો ફટકો પડ્યો હતો.

ઇંગ્લૅન્ડના કાઇલ વૉvકરના પગના સ્નાયુઓ તાજેતરમાં પ્રોફેશનલ લીગમાં મૅન્ચેસ્ટર સિટી વતી રમતી વખતે ખેંચાઈ ગયા હતા.

ક્રિકેટની માફક ફુટબૉલમાં પણ અનેક ખેલાડીઓ પ્રોફેશનલ લીગ રમવામાં અતિરેક કરતા હોય છે અને પછી ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ ટાણે ઈજા પામતાં એમાં રમવાનું ટાળતા હોય છે. ત્રણ દિવસ પહેલાં ફિફા વર્લ્ડ કપમાંથી સૅડ્યો મેને ઈજાને કારણે આઉટ થઈ જતાં સેનેગલને મોટો ફટકો પડ્યો હતો. ત્યાર બાદ ગઈ કાલે ફ્રાન્સે ઈજાને લીધે કરીમ બેન્ઝેમા ગુમાવ્યો. વાસ્તવમાં વિશ્વકપની ઘણી ટીમોની હાલત ખરાબ છે. ફ્રાન્સે પૉલ પોગ્બાને ઘૂંટણની ઇન્જરીને લીધે પહેલાં જ ગુમાવી દીધો છે.

(૧) નેધરલૅન્ડ્સની આજે સેનેગલ સામે મૅચ છે જેમાં નેધરલૅન્ડ્સનો મેમ્ફીસ ડીપે પગના સ્નાયુઓની ઈજાને કારણે નહીં રમે.

(૨) ઇંગ્લૅન્ડની આજે ઈરાન સામે મૅચ છે, પરંતુ ઇંગ્લૅન્ડનો કાઇલ વૉકર પગના સ્નાયુઓના દુખાવામાંથી પૂર્ણપણે મુક્ત ન થયો હોવાથી આજે નથી રમવાનો.

(૩) વેલ્સ સામેની આજની પ્રથમ મૅચમાં અમેરિકાનો વેસ્ટન મૅકેની ડાઉટફુલ છે. તેને સાથળમાં ઈજા છે.

(૪) વેલ્સનો કૅપ્ટન ગારેથ બેલ પૂરેપૂરો ફિટ નથી છતાં આજે અમેરિકા સામે લગભગ રમવાનો જ છે.

(૫) મંગળવારે ફ્રાન્સ સામેની પહેલી જ અત્યંત મહત્ત્વની મૅચમાં ઑસ્ટ્રેલિયાનો માર્ટિન બૉયલ કદાચ નહીં રમે.

(૬) કૅનેડાના એકસાથે બે ખેલાડી (ડૉનેઇલ હેન્રી અને સ્કૉટ કેનેડી)ની ઈજાને લીધે આ ટીમ ચિંતામાં મુકાઈ ગઈ છે. કૅનેડાની પહેલી મૅચ બુધવારે બેલ્જિયમ સામે છે.

sports sports news football