યજમાન કતારની પહેલી જ મૅચમાં નામોશી

22 November, 2022 12:45 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ફિફા વર્લ્ડ કપમાં પ્રારંભિક મૅચ હારનાર પહેલો યજમાન દેશ બન્યો : ૨-૦થી જીતનાર ઇક્વાડોર સામે એકેય ગોલ ન થઈ શક્યો એટલે પ્રેક્ષકો રિસાઈને જતા રહ્યા

ઇક્વાડોરનો કૅપ્ટન એનર વાલેન્સિયાએ તેને પોતાની તાકાતનો પરચો કરાવી દીધો હતો અને ફર્સ્ટ-હાફમાં ઉપરાઉપરી બે ગોલ કરીને કતારને પરાજય જોવડાવ્યો હતો

ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ પહેલી જ વખત આરબ દેશમાં યોજાઈ રહ્યો છે અને એમાં ગ્રુપ ‘એ’માં યજમાન કતારે ઘણી રીતે નાલેશી જોવી પડી છે. કતાર રવિવારે સ્પર્ધાની પહેલી જ મૅચ હારી જનારો પહેલો યજમાન દેશ બન્યો હતો. ફિફા વર્લ્ડ કપના ૯૨ વર્ષના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે. ફિફા વિશ્વકપમાં કતારની આ સૌથી પહેલી મૅચ હતી. યજમાન હોવાથી કતારને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળ્યો છે, પરંતુ એણે ઇક્વાડોર સામે ૦-૨થી નામોશી જોવી પડી છે. દક્ષિણ અમેરિકાના આ દેશ સામે કતારની ટીમ એકેય ગોલ તો નહોતી કરી શકી, પણ કતારના ફૉર્વર્ડ પ્લેયર્સ એકેય વાર બૉલને ટાર્ગેટ પર (ગોલપોસ્ટ પર) નહોતા પહોંચાડી શક્યા. અધૂરામાં પૂરું, કતારના ખેલાડીઓની નિરાશાજનક રમતથી પરેશાન અડધા ભાગના પ્રેક્ષકો હાફ ટાઇમ વખતે પોતાની સીટ પરથી ચાલ્યા ગયા બાદ પાછા આવ્યા જ નહોતા. પરિણામે સેકન્ડ હાફમાં સેંકડો સીટ ખાલી પડી હતી.

કતારમાં અલ બાયત સ્ટેડિયમમાં ૩૦ મિનિટની ભવ્ય ઓપનિંગ સેરેમની બાદ રમાયેલી આ મૅચમાં કતાર સામેના ઇક્વાડોરના બન્ને ગોલ કૅપ્ટન એનર વાલેન્સિયાએ ૧૬મી અને ૩૧મી મિનિટે કર્યા હતા.

કતારના ખેલાડીઓ સાત મહિનાની પ્રૅક્ટિસ બાદ આ મૅચ રમવા આવ્યા હતા. સ્પેનના ફેલિક્સ સાન્ચેઝ તેમના કોચ છે. કતારને ૨૦૧૦માં યજમાનપદ મળ્યું હતું. સાન્ચેઝ ૨૦૧૭ની સાલથી કતારના કોચ છે.

ઇક્વાડોરનો આ ચોથો વર્લ્ડ કપ છે. એનો બેસ્ટ પર્ફોર્મન્સ ૨૦૦૬માં હતો, જેમાં એનો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડની ડેવિડ બેકહૅમની ટીમ સામે પરાજય થયો હતો.

કતારની હવે શુક્રવારે સેનેગલ સામે અને ઇક્વાડોરની નેધરલૅન્ડ્સ સામે મૅચ છે.

67,372
રવિવારે કતારના સ્ટેડિયમમાં કતાર-ઇક્વાડોરની મૅચ જોવા કુલ આટલા પ્રેક્ષકો આવ્યા હતા.

પગ ખેંચ્યા પછી પણ કરી દીધો ગોલ!

રવિવારે કતાર સામેની મૅચમાં ઇક્વાડોરનો કૅપ્ટન એનર વાલેન્સિયા છવાઈ ગયો હતો. જોકે તેને કતારના ગોલકીપર સાદ અલ શીબે ખૂબ પરેશાન કર્યો હતો. સાદે વારંવાર વાલેન્સિયાને બૉલ પર કબજો કરતાં અને ગોલ કરતાં રોક્યો હતો. જોકે વાલેન્સિયાએ તેને પોતાની તાકાતનો પરચો કરાવી દીધો હતો અને ફર્સ્ટ-હાફમાં ઉપરાઉપરી બે ગોલ કરીને કતારને પરાજય જોવડાવ્યો હતો.  એ.એફ.પી.

sports news sports football qatar ecuador