આજે રોનાલ્ડોની ઘાના સામે, નેમારની સર્બિયા સામે કસોટી

24 November, 2022 02:11 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ઘાનાને પોર્ટુગલ સામે ક્યારેય ઇન્ટરનૅશનલ મૅચ જીતવા નથી મળી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમાર જુનિયર

ફિફા વર્લ્ડ કપમાં મંગળવારના ત્રીજા દિવસે જ અપસેટ થવાની શરૂઆત થઈ ગઈ જેમાં લિયોનેલ મેસીની આર્જેન્ટિનાની ટીમને ૫૧મા રૅન્કવાળા સાઉદી અરેબિયાએ ૨-૧થી હરાવી દીધી ત્યાર પછી હવે આજે બીજા બે સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમાર જુનિયરની આકરી કસોટી થવાની છે.

ભારતીય સમય મુજબ રાતે ૯.૩૦ વાગ્યે રોનાલ્ડોની પોર્ટુગલની ટીમ આફ્રિકાની સૌથી શક્તિશાળી મનાતી ટીમોમાંની એક ઘાનાની ટીમ સાથે ટક્કર છે. ઘાનાને પોર્ટુગલ સામે ક્યારેય ઇન્ટરનૅશનલ મૅચ જીતવા નથી મળી, પણ જેમ સાઉદીએ અપસેટ સરજ્યો એમ આજે નવમા ક્રમની પોર્ટુગલની ટીમ સામે જો ૬૧મા ક્રમની ઘાનાની ટીમ જીતશે તો આ વર્લ્ડ કપનો વધુ એક અપસેટ થયો કહેવાશે.

ભારતીય સમય મુજબ આજે મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યે નેમારની બ્રાઝિલની ટીમનો સર્બિયા સાથે મુકાબલો છે. બ્રાઝિલ વિશ્ર્વમાં નંબર-વન છે, જ્યારે સર્બિયાનો ૨૧મો રૅન્ક છે. પાંચ વખત વર્લ્ડ કપ જીતનાર બ્રાઝિલ આજે જીતવા ફેવરિટ તો છે, પરંતુ અપસેટ સર્જવા સર્બિયા સક્ષમ તો છે જ. ચાર વર્ષ પહેલાંના વર્લ્ડ કપમાં બ્રાઝિલે સર્બિયાને ગ્રુપ-સ્ટેજમાં ૨-૦થી હરાવ્યું હતું અને સર્બિયા આજે એનો બદલો લેવા કોઈ કસર નહીં છોડે.

એમયુનો રોનાલ્ડો સાથેનો કરાર રદ, રૂની માટે રોનાલ્ડો જવાબદાર

મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) ફુટબૉલ ક્લબે પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથેનો કરાર તાત્કાલિક અમલમાં આવે એ રીતે રદ કરી નાખ્યો છે. વર્લ્ડ કપમાં રમવા જતા પહેલાંના ઇન્ટરવ્યુમાં રોનાલ્ડોએ એમયુ વિશે જે ટિપ્પણીઓ કરી એને પગલે બન્ને વચ્ચેના સંબંધો વધુ તંગ થયા હતા અને છેવટે તેમણે સંબંધોનો અંત લાવી દેવા એકમેકને સંમતિ આપી છે. ઇંગ્લૅન્ડના ફુટબૉલ-લેજન્ડ વેઇન રૂનીએ કહ્યું છે કે ‘રોનાલ્ડોએ એમયુ પર જે શાબ્દિક પ્રહારો કર્યા એ પછી આવું થવાનું જ હતું, રોનાલ્ડો પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.’

sports news sports football cristiano ronaldo neymar doha ghana portugal brazil serbia