મેસીએ આર્જેન્ટિનાને એક્ઝિટથી બચાવ્યું

28 November, 2022 12:03 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

મેક્સિકો સામે વિજય અપાવવા ઉપરાંત મૅરડોના અને રોનાલ્ડોની બરાબરી પણ કરી

લિયોનેલ મેસી શનિવારે વર્લ્ડ કપમાં આઠમો ગોલ કરીને પોતાના જ દેશના લેજન્ડ મૅરડોનાની બરાબરીમાં આવીને ખુશખુશાલ હતો. તે જીતના એટલા બધા ઉન્માદમાં આવી ગયો હતો કે સાથી-ખેલાડી પર ટિંગાઈ ગયો હતો. તસવીર એ.એફ.પી.

લિયોનેલ મેસીએ શનિવારે ફિફા વર્લ્ડ કપમાં વધુ એક ગોલ કરીને આર્જેન્ટિનાને વિજય અપાવીને ટુર્નામેન્ટની બહાર જતાં રોક્યું હતું. તેણે વર્લ્ડ કપનો આઠમો ગોલ કર્યો હતો. આટલા જ ગોલ તેના દેશના મહાન ફુટબોલર ડિએગો મૅરડોનાએ અને મેસી સાથે જ વર્તમાન ફુટબૉલના સુપરસ્ટાર તરીકે ઓળખાતા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યા છે.

આર્જેન્ટિનાએ શનિવારે મેક્સિકોને ૨-૦થી હરાવીને સાઉદી અરેબિયા સામેના ૧-૨ના શૉકિંગ પરાજયને થોડો ભુલાવવાની કોશિશ કરી હતી. મેસીએ ૬૪મી મિનિટે ઍન્જલ ડી મારિયાએ પાસ કરેલા બૉલને પચીસ મીટર દૂરથી ગોલપોસ્ટમાં મોકલી દીધો હતો. મેસી આ ગોલ કરીને સ્ટેડિયમમાં બેઠેલા હજારો ચાહકોની દિશામાં દોડ્યો હતો અને જોશપૂર્વક ઉત્સાહ બતાવ્યો હતો અને ત્યાર પછી સાથીઓ તેને અભિનંદન આપવા દોડી આવ્યા હતા. આ ગોલ કરીને મેસી ખૂબ ભાવુક થઈ ગયો હતો. તે પાંચમો અને લગભગ છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે.
૮૭મી મિનિટે સબસ્ટિટ્યુટ એન્ઝો ફર્નાન્ડેઝે આર્જેન્ટિનાને બીજો ગોલ અપાવ્યો હતો.

88,966
મેસીએ આટલા પ્રેક્ષકો સામે જીત મેળવી. છેલ્લાં ૨૮ વર્ષમાં વર્લ્ડ કપની એક મૅચમાં પ્રેક્ષકોની હાજરીનો આ વિશ્વવિક્રમ છે.

sports news sports football doha lionel messi