પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર સિટીનું હૅટ-ટ્રિક ટાઇટલ, જૂનમાં બીજી બે ટ્રોફી મળી શકે

22 May, 2023 11:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩ જૂને સિટીનો એફએ કપ ફાઇનલમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ સામે મુકાબલો છે

મૅન્ચેસ્ટર સિટીના ટ‍્વિટર હૅન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલી આ ઇમેજ જેમાં ટીમના સુપરસ્ટાર ખેલાડી ઍર્લિંગ હાલાન્ડ અને બીજા ખેલાડીઓને સેલિબ્રેશન મૂડમાં બતાવાયા છે.

મૅન્ચેસ્ટર સિટીએ શનિવારે સતત ત્રીજા વર્ષે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)નું ટાઇટલ જીતી લીધું હતું. એ દિવસે બીજા નંબરની આર્સેનલની ટીમનો નૉટિંગહૅમ ફૉરેસ્ટ સામેના મુકાબલામાં ૧-૦થી પરાજય થતાં સિટીની ટીમ મોખરે અપરાજિત સ્થિતિમાં આવી ગઈ હતી અને ટ્રોફી સિટીના કબજામાં આવી ગઈ હતી. સિટીએ ૨૦૨૧માં અને ૨૦૨૨માં પણ ઈપીએલનું ટાઇટલ જીતી લીધું હતું. મૅન્ચેસ્ટર સિટીને જૂનના પહેલા ૧૦ દિવસમાં વધુ બે ટાઇટલ જીતવાનો મોકો છે. ૩ જૂને સિટીનો એફએ કપ ફાઇનલમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ સામે મુકાબલો છે. સિટીને ૧૦ જૂને ઇન્ટર મિલાનને પરાજિત કરી ચૅમ્પિયન્સ લીગનું ટાઇટલ જીતવાની પણ તક છે.

બ્રાઝિલના પોલીસ અધિકારીની પોતાની ક્લબ વિરુદ્ધ તપાસ

બ્રાઝિલમાં ફુટબૉલના કથિત મૅચ-ફિક્સિંગની તપાસ શરૂ કરાવનારાઓમાં મુખ્યત્વે હ્યુગો જૉર્ગ બ્રાવો નામના પોલીસ અધિકારીનો પણ સમાવેશ છે. નવાઈની વાત એ છે કે બ્રાવો આ કૌભાંડમાં સામેલ વિલા નોવા ક્લબના ત્રણ વર્ષથી પ્રમુખ છે. જોકે તેમને પોતાની ક્લબ વિરુદ્ધ તપાસ કરવાનો કોઈ રંજ નથી, કારણ કે તેઓ નાનપણથી ફુટબૉલની રમતના ફૅન છે. આ કૌભાંડ અનેક દેશો સુધી પ્રસરેલું છે.

અન્ડર-20 વર્લ્ડ કપમાં આર્જેન્ટિના, અમેરિકાની જીત

બ્યુનસ આયરસમાં શરૂ થયેલા અન્ડર-20 ફુટબૉલ વર્લ્ડ કપમાં શનિવારે આર્જેન્ટિનાએ એશિયન ચૅમ્પિયન ઉઝબેકિસ્તાનને ૨-૧થી હરાવી દીધું હતું, જ્યારે અમેરિકાએ ઇક્વાડોર સામે ૧-૦થી રોમાંચક વિજય મેળવ્યો હતો. સ્લોવેકિયાએ ફિજીને ૪-૦થી હરાવ્યું હતું.

5
મૅન્ચેસ્ટર સિટીનું છેલ્લાં ૬ વર્ષમાં આ આટલામું પ્રીમિયર લીગ ટાઇટલ છે.

sports news football english premier league manchester city chelsea