ફોટો પડાવતી વખતે ગવર્ન રે સુનીલ છેત્રીને દૂર હડસેલ્યો : મીડિયામાં ખૂબ ટ્રોલ થયા

20 September, 2022 11:52 AM IST  |  Manipur | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં છેત્રીની બેંગલુરુ એફસીએ મુંબઈ સિટીને ૨-૧થી હરાવીને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું

ફોટો પડાવતી વખતે ગવર્ન રે સુનીલ છેત્રીને દૂર હડસેલ્યો

ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં સૌથી વધુ ગોલ કરનાર વર્તમાન ખેલાડીઓમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી પછી ત્રીજો નંબર ધરાવતા ભારતના ફુટબૉલ-લેજન્ડ સુનીલ છેત્રીના સુકાનમાં રવિવારે કલકત્તામાં બેંગલુરુ એફસીએ ડુરાન્ડ કપની ફાઇનલમાં મુંબઈ સિટી એફસીને ૨-૧થી હરાવીને ચૅમ્પિયનપદ મેળવ્યું ત્યાર પછી ટ્રોફી વિતરણ સમારોહમાં મણિપુર તથા પશ્ચિમ બંગાળના ગવર્નર લા ગણેશને સ્ટેજ પર ફોટો પાડવામાં આવી રહ્યો હતો ત્યારે ટ્રોફી-વિજેતા કૅપ્ટન સુનીલ છેત્રીને ખભા પર હાથ મૂકીને દૂર હડસેલ્યો એ બદલ સોશ્યલ મીડિયામાં ગવર્નર ટ્રોલ થયા હતા.

ફુટબૉલ-પ્રેમી અંશુલ સક્સેનાએ ટ્‍વિટર પર ગવર્નરને ટકોર કરતાં લખ્યું, ‘ડુરાન્ડ કપની ટ્રોફી જીતવા બદલ બંગાળના ગવર્નર ગણેશનને અભિનંદન.’ બીજા ઘણા સૉકર-લવર્સે ગવર્નરને ટકોર કરતી અને વખોડતી ટ્વીટ કરી હતી. એક સોકર-લવરે લખ્યું હતું, ‘શું સુનીલ છેત્રીએ સ્ટેજ પર રાજકારણી સાથે પૉન્ટિંગ જેવો વર્તાવ કરવો જોઈતો હતો?’ ૨૦૦૬માં પૉન્ટિંગે સ્ટેજ પર શરદ પવાર સાથે અપમાનજનક વર્તન કર્યું હતું.

ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ લખ્યું છે, ‘દેશના ફુટબૉલ-લેજન્ડનું આ ઘોર અપમાન કહેવાય.’નવાઈની વાત છે કે ગવર્નરના સુનીલ છેત્રી સાથેના આ બેહૂદા વર્તન ઉપરાંત બેંગલુરુની ટીમને જીતવામાં સૌથી મોટું યોગદાન આપનાર શિવા શક્તિ સાથે પણ આવો વર્તાવ થયો હતો. સ્ટેજ પર ટ્રોફી સાથે ફોટો પડાવી રહેલા ટીમના બીજા બે ખેલાડીઓમાંના એકને સ્ટેજ પરના મહાનુભાવે દૂર હડસેલ્યો હતો અને બીજા અધિકારીએ અન્ય એક ખેલાડીને ખભા પર ખૂબ શાબાશી આપી હતી.

સૈનિકપુત્ર છેત્રીને ડુરાન્ડ કપ જીત્યાનો બેહદ આનંદ

ભારતનો ફુટબૉલ-લેજન્ડ સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફુટબૉલ જગતમાં સૌથી વધુ ગોલ કરનારાઓમાં ૮૪ ગોલ સાથે પાંચમા નંબરે અને વર્તમાન ફુટબોલર્સ (રોનાલ્ડો, મેસી પછી)માં ત્રીજા સ્થાને છે. તેણે આ અપ્રતિમ સિદ્ધિ મેળવી જ છે, રવિવારે તે પહેલી વાર ડુરાન્ડ કપની ટ્રોફી જીત્યો હતો. ફાઇનલમાં છેત્રીની બેંગલુરુ એફસીએ મુંબઈ સિટીને ૨-૧થી હરાવીને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. છેત્રીએ કહ્યું કે ‘બે દાયકા સુધી રાહ જોયા બાદ છેવટે હું આ પ્રતિષ્ઠિત સ્પર્ધા જીત્યો એનો મને બેહદ આનંદ છે. હું ભારતીય લશ્કરના ભૂતપૂર્વ અધિકારીનો દીકરો છું અને જો હું દેશની આ ટોચની ટ્રોફી ન જીતી શક્યો હોત તો મારા માટે એ મોટી શરમની વાત કહેવાત.’  ૩૮ વર્ષના છેત્રીએ ભૂતપૂર્વ ફુટબોલર સુબ્રટા ભટ્ટાચાર્યની પુત્રી સોનમ સાથે ૨૦૧૭માં લગ્ન કર્યાં હતાં. સોનમ ઘણીવાર તેની મૅચ જોવા સ્ટેડિયમમાં જતી હોય છે.

sports sports news mumbai city fc bengaluru Sunil Chhetri football manipur