જૉકોવિચ ૨૦૨૨ની પહેલી મૅચ જીત્યો

23 February, 2022 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુબઈમાં કરી ફરી રમવાની શરૂઆત ઃ યુએઈના સત્તાધીશોએ વૅક્સિનનો આગ્રહ નથી રાખ્યો

નોવાક જૉકોવિચ

સર્બિયાનો વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ સોમવારે ૨૦૨૨ની પોતાની પહેલી મૅચ જીત્યો હતો. જૉકોવિચે કોવિડ વિરોધી વૅક્સિન નથી લીધી, જેને કારણે તેને ગયા મહિને ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહોતું 
રમવા મળ્યું અને તેને ઑસ્ટ્રેલિયામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, 
પરંતુ અત્યારે તે દુબઈમાં છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ના સત્તાવાળાઓએ તેને દુબઈમાં રમવા આવવાની છૂટ આપી છે અને ત્યાં તેણે દુબઈ ચૅમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં ઇટલીના લૉરેન્ઝો મુસેટીને ૬-૩, ૬-૩થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
દરમ્યાન ઇંગ્લૅન્ડનો ઍન્ડી મરે ૨૦૧૭માં દુબઈમાં ટાઇટલ જીત્યો હતો અને ત્યાર પછી તે સોમવારે દુબઈમાં પહેલી મૅચ જીત્યો હતો જેમાં તેણે ઑસ્ટ્રેલિયાના ક્રિસ્ટોફર ઑકોનેલને ૭-૪, ૬-૩, ૭-૫થી હરાવ્યો હતો.

tennis news novak djokovic