જૉકોવિચ વૅક્સિન નથી જ લેવાનો, ભલે પછી ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન પણ ગુમાવવી પડે

16 February, 2022 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉકોવિચનો ૨૦૨૧ની ૧૬ ડિસેમ્બરે કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો

જૉકોવિચ વૅક્સિન નથી જ લેવાનો, ભલે પછી ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન પણ ગુમાવવી પડે

તાજેતરમાં ઑસ્ટ્રેલિયન ઓપનમાં ન રમી શકનાર વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ કોવિડ વિરોધી વૅક્સિન ધરાર નથી લેવાનો અને આ જ વલણને વળગી રહીને આવતા મહિનાઓમાં જો વૅક્સિન લઈને જ રમવાનો આગ્રહ રખાશે તો તે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ છોડવા પણ તૈયાર છે.

રાફેલ નડાલથી એક ઓછું અને રૉજર ફેડરર જેટલાં કુલ ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર જૉકોવિચે બીબીસીને કહ્યું હતું કે ‘મેં વૅક્સિન નથી લીધી અને જો મને દબાણ કરવામાં આવશે તો આગામી બે મોટી ટુર્નામેન્ટમાં રમવાનું પણ જતું કરવા હું તૈયાર છું. મારા નિર્ણયનાં શું પરિણામ આવી શકે છે એ પણ હું જાણું છું. હું વૅક્સિનનો વિરોધી નથી, પણ મારા શરીર વિશેના નિર્ણયો મારા માટે કોઈ પણ ટાઇટલ કરતાં મહત્ત્વના છે.’

જૉકોવિચનો ૨૦૨૧ની ૧૬ ડિસેમ્બરે કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. કોરોના વાઇરસનો ચેપ લાગ્યા પછીના ૬ મહિના સુધી વૅક્સિન લેવામાંથી મુક્તિ મળે એવો ઑસ્ટ્રેલિયામાં કાયદો છે અને એના આધારે જ તે ગયા મહિને મેલબર્નની અદાલતમાં પહેલો કેસ જીતી ગયો હતો. જોકે પછીથી ઑસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મિનિસ્ટરે તેના વિઝા રદ કર્યા હતા.

 હું જાણું છું કે મારી ખૂબ ટીકા થઈ રહી છે. કરોડોએ વૅક્સિન લીધી છે અને હજી કરોડો કોવિડના ભરડામાંથી મુક્ત નથી થયા. જોકે મેં કોઈ કાયદાનો દુરુપયોગ કર્યો છે કે પૉઝિટિવ પીસીઆર ટેસ્ટ રિપોર્ટ મેળવીને ઑસ્ટ્રેલિયા પહોંચીને મેં કોઈ ફેવર માગી એવું જે કહેવાયું છે એ મને જરાય નથી ગમ્યું.- નોવાક જા‍‍ૅકોવિચ

sports news novak djokovic