રોનાલ્ડોની ડબલ સેન્ચુરીઃ ૨૦૦મી મૅચ રમનારો વિશ્વનો પ્રથમ ફુટબૉલર

22 June, 2023 01:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

છેલ્લી ઘડીએ મૅચ-વિનિંગ ગોલ કરીને પોર્ટુગલને આઇસલૅન્ડ સામે ૧-૦થી અપાવ્યો રોમાંચક વિજય

રોનાલ્ડોને મંગળવારે ૨૦૦મી મૅચ પહેલાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સના અધિકારીના હસ્તે પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ મળ્યું હતું. તસવીરો એ. પી.

સુપરસ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૨૦૨૨ના ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલને ક્વૉર્ટર ફાઇનલથી આગળ લઈ જવામાં તો નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તેણે વ્યક્તિગત સિદ્ધિ મેળવીને પોતાના દેશનું નામ ગિનેસ રેકૉર્ડ-બુકમાં જરૂર લાવી દીધું છે. મંગળવારે તે ૨૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો અને આંતરરાષ્ટ્રીય મૅચની ડબલ સેન્ચુરી કરનારો તે વિશ્વનો પહેલો ફુટબોલર બન્યો છે.  તે ૨૦૦૩માં ૧૮ વર્ષની ઉંમરે પોર્ટુગલ વતી પહેલી મૅચ રમ્યો હતો અને ૨૦ વર્ષની કરીઅરમાં મેદાન પર વિવિધ દેશો સામેના કુલ ૨૦૦ મુકાબલામાં ભાગ લીધો છે.
૩૮ વર્ષના રોનાલ્ડોએ મંગળવારની ઐતિહાસિક મૅચમાં વિનિંગ ગોલ કરીને એને વધુ યાદગાર બનાવી હતી. યુરોપિયન ચૅમ્પિયનશિપ ક્વૉલિફાઇંગ રાઉન્ડ ચાલી રહ્યો છે, જેમાં પોર્ટુગલે આઇસલૅન્ડને ૧-૦થી હરાવ્યું હતું અને એમાંનો એકમાત્ર ગોલ રોનાલ્ડોએ મૅચની છેક ૮૯મી મિનિટમાં કર્યો હતો. પોર્ટુગલ ગ્રુપ ‘જે’માં ચાર મૅચ રમ્યું છે અને ચારેય જીત્યું છે. રોનાલ્ડોએ ૨૦૦ મૅચમાં ૧૨૩ ગોલ કર્યા છે અને એ પણ વર્લ્ડ રેકૉર્ડ છે. ઈરાનનો અલી દાઇ ૧૦૯ ગોલ સાથે તેના પછી બીજા નંબર પર છે.

175
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સૌથી નજીકનો હરીફ ખેલાડી લિયોનેલ મેસી આર્જેન્ટિના વતી આટલી મૅચ રમ્યો છે. રોનાલ્ડોથી લિયોનેલ મેસી હજી ઘણો પાછળ છે. 

સૌથી વધુ ઇન્ટરનૅશનલ મૅચ રમનારા ટૉપ-ફાઇવ
ક્રમ    પ્લેયર    દેશ    મૅચ
૧    ક્રિસ્ટિયાનો રોનાલ્ડો    પોર્ટુગલ    ૨૦૦
૨    બાદર અલ-મુતાવા    કુવૈત    ૧૯૬
૩    સોહ ચિન ઍન    મલેશિયા    ૧૯૫
૪    અહમદ હસન    ઇજિપ્ત    ૧૮૪
૫    અહમદ મુબારક    ઓમાન    ૧૮૩

cristiano ronaldo football sports news sports