કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર દિલીપ ગાવિતનું લક્ષ્ય છે ૧૦૦ અને ૪૦૦ મીટર પૅરા-રેસમાં વર્લ્ડ રેકૉર્ડ

06 August, 2026 01:51 PM IST  |  Glasgow | Gujarati Mid-day Correspondent

કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ પૅરા-ઍથ્લીટ દિલીપ ગાવિત હવે પૅરા એશિયન ગેમ્સમાં 100 અને 400 મીટર સ્પર્ધામાં વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનું લક્ષ્ય રાખી રહ્યો છે.

દિલીપ ગાવિત

ગ્લાસગોમાં પોતાની ડેબ્યુ કૉમનવેલ્થ ગેમ્સમાં ૧૦૦ મીટરની રેસમાં નવા રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યા બાદ પૅરા-ઍથ્લીટ દિલીપ ગાવિતનો કૉન્ફિડન્સ ખૂબ જ વધી ગયો છે. હવે તેનું લક્ષ્ય આવતા મહિને જપાનમાં યોજાનારી પૅરા ઍશિયન ગેમ્સમાં ૧૦૦ અને ૪૦૦ મીટર સ્પર્ધામાં નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનું છે. 
મંગળવારે દિલ્હીમાં સ્પોર્ટ્‍સ મિનિસ્ટ મનસુખ માંડવિયા દ્વારા આયોજિત સન્માન સમારોહ દરમ્યાન T47 કૅટેગરીમાં ભાગ લેતા ૨૩ વર્ષના દિલીપ ગાવિતે જણાવ્યું હતું કે ‘હું એશિયન ગેમ્સમાં ૧૦૦ અને ૪૦૦ મીટર રેસમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માગું છું. ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં મેં ૪૦૦ મીટરમાં ગોલ્ડ જીત્યો હતો. ગ્લાસગોમાં કૉમનવેલ્થ ગેમ્સમાં ૧૦૦ મીટરમાં સ્પર્ધા કરવાનો મારો પહેલો અનુભવ હતો, અને મેં નવા ગેમ્સ રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.’
T47 કૅટેગરી એવા એથ્લીટ્સ માટે છે જેમના ઉપલા હાથમાં ખામી હોય, જેમાં એક હાથ કપાયેલો હોય અથવા એક હાથની કાર્યક્ષમતા ઓછી હોય, જે દોડતી વખતે સંતુલન અને ઝડપને અસર કરી શકે છે. દિલીપ ગાવિત મહારાષ્ટ્રના નાશિક નજીકના નાના ગામ તોરણ ડોંગરીમાં જન્મ્યો હતો. માત્ર ૬ વર્ષની ઉંમરે ઝાડ પરથી પડી જવાથી તેણે પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો. સમયસર તબીબી સારવારના અભાવે તેનો કોણી નીચેનો હાથ કાપવો પડ્યો હતો. દિલીપ અને તેના ખેડૂત પરિવાર બન્ને માટે આ ઘટના એક મોટો ફટકો હતો. જોકે તેણે આનાથી નાસીપાસ થવાને બદલે દોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
દિલીપ અગાઉ સામાન્ય ઍથ્લીટ્સ સાથે સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો. તેણે રાષ્ટ્રીય સ્તરે સામાન્ય એથ્લીટ્સ વચ્ચે અને ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

sports news sports commonwealth games athletics asian games glasgow