02 February, 2026 12:27 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝ અને રનર-અપ નોવાક જૉકોવિચે પોતાની ટ્રોફીઓ સાથે ફોટો માટે પોઝ આપ્યો
વિશ્વના નંબર વન ટેનિસ પ્લેયર્સ કાર્લોસ અલ્કારાઝે રવિવારે પોતાનો પહેલો ઑસ્ટ્રેલિયન ઓપન ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. સર્બિયાના સ્ટાર પ્લેયર અને વર્લ્ડ નંબર ફોર પ્લેયર નોવાક જૉકોવિચ સામે સ્પેનના કાર્લોસ અલ્કારાઝે મેન્સ સિંગલ્સ ફાઇનલની રમતમાં ૩ કલાક અને બે મિનિટમાં ૨-૬, ૬-૨ ,૬-૩, ૭-૫થી જીત નોંધાવી હતી. પોતાની પહેલી ઑસ્ટ્રેલિયન ફાઇનલમાં અલ્કારાઝે આ ટુર્નામેન્ટ ૧૦ વખત જીતનાર જૉકોવિચ સામે પહેલા સેટની હાર બાદ શાનદાર વાપસી કરી હતી.
ઓપન એરામાં કરીઅર ગ્રૅન્ડ સ્લૅમ એટલે કે ચારેય મોટી ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર કાર્લોસ અલ્કારાઝ છઠ્ઠો ખેલાડી બન્યો છે. જોકે આ બધા વચ્ચે તે કરીઅર ગ્રૅન્ડ સ્લૅમ પૂર્ણ કરનાર ૨૨ વર્ષ ૭૨ દિવસની ઉંમરે યંગેસ્ટ પ્લેયર બન્યો છે. તે ઓપન એરામાં ૭ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર પણ સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. તે યુએસ ઓપન, વિમ્બલ્ડન અને ફ્રેન્ચ ઓપન ટાઇટલ બે-બે વખત જીત્યો છે.
કાર્લોસ અલ્કારાઝ સાતમા ગ્રૅન્ડ સ્લૅમ સાથે કરીઅરનું પચીસમું ટાઇટલ જીત્યો છે. જોકે ૧૦૧ ટાઇટલ વિજેતા ૩૮ વર્ષના નોવાક જૉકોવિચનું પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાની રાહ હજી લંબાઈ ગઈ છે. તે છેલ્લે ૨૦૨૩માં ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો હતો. ચૅમ્પિયન અલ્કારાઝને ૨૫.૬૧ કરોડ રૂપિયા અને રનર-અપ જૉકોવિચને ૧૩.૨૬ કરોડ રૂપિયાનું કૅશ પ્રાઇઝ મળશે.