CWG 2022: પીવી સિંધુએ કોમનવેલ્થમાં પ્રથમ વખત હાંસિલ કર્યો ગોલ્ડ મેડલ

08 August, 2022 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે સોમવારે (8 ઓગસ્ટ) મહિલા સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની મિશેલ લીને માત આપી હતી.

પીવી સિંધુ

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે સોમવારે (8 ઓગસ્ટ) મહિલા સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની મિશેલ લીને માત આપી હતી. સિંધુએ આ મેચ 21-15, 21-13થી જીતી હતી. તે પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે. આ પહેલા તેણે 2018 ગોલ્ડ કોસ્ટ ખાતે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યાર બાદ તે સિંગલ્સમાં સાઇના નેહવાલ સામે ફાઇનલમાં હારી ગઇ હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. સિંધુ પહેલા સાઇના નેહવાલે 2010 અને 2018માં ગોલ્ડ જીત્યો હતો. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટનમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. દેશને અત્યાર સુધીમાં 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મળ્યા છે. ભારત પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. બેડમિન્ટનમાં સિંધુ બાદ હવે લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીતે તેવી આશા છે.

પીવી સિંધુએ પ્રથમ ગેમમાં શાનદાર શરૂઆત કરી હતી. તેઓએ 4-2ની સરસાઈ મેળવી હતી, પરંતુ મિશેલ લીએ ઝડપી વાપસી કરીને સ્કોર બરાબરી કરી હતી. જે બાદ બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પ્રથમ ગેમમાં સિંધુ બ્રેક સુધી 11-10થી આગળ હતી. સિંધુએ બ્રેક બાદ તરત જ પાંચ પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. સ્કોર 17-12 થયો. મિશેલ લીએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિંધુએ આક્રમક રીતે શૂટ કરવાનું ચાલુ રાખ્યું. તેણે પ્રથમ ગેમ 21-15થી જીતી હતી.

સિંધુએ બીજી ગેમમાં પાવર બતાવ્યો
બીજી ગેમમાં મિશેલ લીને પહેલો પોઈન્ટ મળ્યો. જે બાદ સિંધુએ વાપસી કરી હતી. તેણે પોતાની શક્તિનો ઉપયોગ કરીને બે કે ત્રણ જબરદસ્ત સ્મેશ માર્યા. લી પાસે આનો કોઈ જવાબ નહોતો. તે બ્રેક સુધી 11-6થી આગળ હતી. આ પછી સિંધુ વધુ આક્રમક બની ગઈ હતી. તેણે લીને તક આપી નહીં અને બીજી ગેમ 21-13થી જીતી લીધી.

પીવી સિંધુની સિદ્ધિઓ
પીવી સિંધુએ 2016 ઓલિમ્પિકમાં સિલ્વર અને 2020 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ મેડલ જીત્યા છે. તેણે 2019માં ગોલ્ડ, 2018 અને 2017માં સિલ્વર અને 2013-2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં સિંધુએ મહિલા ટીમ સાથે 2018માં સિલ્વર અને 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં એક સિલ્વર, એક બ્રોન્ઝ અને એક ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. હવે તેમાં સિંગલ્સ ઈવેન્ટનો ગોલ્ડ પણ જોડાઈ ગયો છે. તેણે 2014માં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સિંધુ એકવાર BWF વર્લ્ડ ટૂર જીતી ચૂકી છે અને એક વખત રનર્સઅપ રહી હતી. તે 2017માં ઈન્ડિયા ઓપન સુપર સિરીઝમાં ચેમ્પિયન બની હતી અને 2018માં રનર-અપ રહી હતી. 2016માં તેણે ચાઈના ઓપન પણ જીતી હતી. સિંધુએ 2017માં કોરિયા ઓપન સુપર સિરીઝ પણ જીતી છે.

sports news badminton news pv sindhu