ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ, દેશનિકાલ કે કારાવાસ?

13 January, 2022 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સર્બિયાનો વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી અને વિક્રમજનક ૨૦મા ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ માટે ઝઝૂમી રહેલા ૩૪ વર્ષના નોવાક જૉકોવિચે પોતાને જ એક અઠવાડિયાથી ચાલતા વૅક્સિનેશન-વિઝાના પ્રકરણમાં વધુ મુશ્કેલીમાં મૂકી દીધો છે.

ગઈ કાલે મેલબર્નમાં ઑસ્ટ્રેલિયન ઓપન માટેની પ્રૅક્ટિસ દરમ્યાન થાકેલો નોવાક જૉકોવિચ. એ.એફ.પી.

સર્બિયાનો વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી અને વિક્રમજનક ૨૦મા ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ માટે ઝઝૂમી રહેલા ૩૪ વર્ષના નોવાક જૉકોવિચે પોતાને જ એક અઠવાડિયાથી ચાલતા વૅક્સિનેશન-વિઝાના પ્રકરણમાં વધુ મુશ્કેલીમાં મૂકી દીધો છે.
કોવિડ વિરોધી વૅક્સિન લીધા વિના ઑસ્ટ્રેલિયા આવેલા જૉકોવિચે ગઈ કાલે કબૂલ કર્યું હતું કે તે ઑસ્ટ્રેલિયા આવ્યો ત્યારે પ્રવેશ મેળવવા બાબતમાં તેણે પોતાના એજન્ટના કહેવા મુજબ ખોટી માહિતી સત્તાવાળાઓને આપી હતી. એક તરફ જૉકોવિચને ઑસ્ટ્રેલિયન ઓપનનું ૧૦મું અને કુલ ૨૧મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ દેખાય છે ત્યારે બીજી બાજુ તેનો ઑસ્ટ્રેલિયામાંથી દેશનિકાલ થવાની સંભાવના છે. મેલબર્નની અદાલતે તેની એન્ટ્રી માન્ય ઠરાવીને વિઝા રદબાતલ કરવાના સરકારના પગલાંને ફગાવી દીધો હતો, પરંતુ ઇમિગ્રેશન મિનિસ્ટર ઍલેક્સ હૉક પોતાની અંગત સત્તાનો ઉપયોગ કરીને જૉકોવિચને દેશનિકાલ કરી શકે છે અને ઑસ્ટ્રેલિયામાં તેના ફરી આવવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ પણ આવી શકે છે.
મારા સ્ટાફથી ભૂલ થઈ ઃ નોવાક
જૉકોવિચે ગઈ કાલે કહ્યું કે ‘મારા ટ્રાવેલ સંબંધી દસ્તાવેજો મારા વતી મારી સપોર્ટ ટીમે ભર્યા હતા અને એમાં તેમણે ઑસ્ટ્રેલિયામાં આવતાં પહેલાંના ૧૪ દિવસમાં હું બીજા કોઈ દેશમાં ગયો હતો કે નહીં એની વિગતમાં ભૂલથી ‘ના’ લખી દીધું હતું એટલે સ્ટાફની એ વહીવટી ક્ષતિ કહેવાય. સ્ટાફે એ જાણીજોઈને નહોતું લખ્યું. આપણે બધા મહામારીના આ આપત્તિજનક અને કટોકટીના સમયમાં જીવી રહ્યા છીએ એટલે ક્યારેક આવી ભૂલ થઈ જાય. જોકે મારા વકીલે સ્પષ્ટતા થાય એ માટે ઑસ્ટ્રેલિયન સરકારને વધુ માહિતી આપી છે.’
ઑસ્ટ્રેલિયામાં જે વિદેશી વ્યક્તિ આવી ગેરમાર્ગે દોરતી માહિતી આપે એ ગુનો ગણાય છે જેમાં કસૂરવારને વધુમાં વધુ ૧૨ મહિનાની જેલની સજા અને ૬૬૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર સુધીનો દંડ થઈ શકે. એ ઉપરાંત તેના વિઝા પણ રદ થઈ શકે.
પાંચ વર્ષની કેદનો કાયદો
જૉકોવિચે મેલબર્ન આવ્યા પછી કહ્યું હતું કે હું ગયા મહિને (૧૬મી ડિસેમ્બરે) કોવિડ-પૉઝિટિવ થયો ત્યાર પછી બીજા કોઈ દેશમાં નહોતો ગયો, પરંતુ પૉઝિટિવ થયાના બીજા જ દિવસે (૧૭મીએ) મેં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, એક પત્રકારને મળ્યો હતો અને સ્પેનના પ્રવાસે પણ ગયો હતો.
ગઈ કાલે જૉકોવિચે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસામાં લખ્યું, ૅમેં અમારા પાટનગર બેલગ્રેડમાં બાળકોની ઇવેન્ટ બાદ રૅપિડ એન્ટિજન ટેસ્ટ કરાવી હતી જેમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. હું અસિમ્પ્ટોમેટિક હતો અને એ ઇવેન્ટ પછી જ મારા હાથમાં પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.’
ઑસ્ટ્રેલિયામાં એવો પણ એક નિયમ છે કે જો કોઈ વ્યક્તિ કોવિડ પૉઝિટિવ ટેસ્ટ સંબંધમાં સત્તાવાળાઓને ખોટી માહિતી આપે તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે.
પિતા કહે છે, ‘કેસ બંધ થઈ ચૂક્યો છે’
જૉકોવિચના પિતા સર્જાન જૉકોવિચે ગઈ કાલે સર્બિયાના એક ટીવીસ્ટેશનને કહ્યું હતું કે ‘નોવાક જૉકોવિચને લગતી સંપૂર્ણ બાબત પર હવે ઑસ્ટ્રેલિયન કોર્ટમાં ફેંસલો અપાઈ ચૂક્યો છે. ૭ કલાકની ચકાસણી અને સુનાવણી બાદ ન્યાયમૂર્તિઓએ ચુકાદો આપ્યો છે કે નોવાક ઑસ્ટ્રેલિયામાં રમી શકે છે. કેસ જ બંધ કરી દેવાયો છે.’

sports news