ઑસ્ટ્રેલિયન ઓપનનો વિનર બન્યો જૉકોવિચ

03 February, 2020 01:39 PM IST  |  Melbourne

ઑસ્ટ્રેલિયન ઓપનનો વિનર બન્યો જૉકોવિચ

નોવાક જૉકોવિચે

ઑસ્ટ્રેલિયન ઓપનની મેન્સ સિંગલ્સ કૅટેગરીમાં રમાયેલી ફાઇનલ મૅચમાં સર્બિયાના નોવાક જૉકોવિચે ઑસ્ટ્રિયાના ડોમનિક થીએમને હરાવીને ટાઇટલ પોતાને નામે કર્યું હતું. અંદાજે ચારેક કલાક ચાલેલી પાંચ સેટની ગેમમાં જૉકોવિચે થીએમને ૬-૪, ૪-૬, ૨-૬, ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. આ જીત સાથે જૉકોવિચે આઠમી વખત ટુર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ તેનું ૧૭મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ બન્યું હતું. આ પહેલાં જૉકોવિચ વર્ષ ૨૦૦૮, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૯ એમ સાત વખત ઑસ્ટ્રેલિયન ઓપનનો ચૅમ્પિયન બન્યો હતો.

નોંધનીય છે કે જૉકોવિચ અત્યાર સુધી જેટલી વાર ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે એટલી વાર તે ટાઇટલ જીત્યો છે. આ મૅચ પહેલાં બન્ને ટેનિસ ખેલાડી ૧૧ વખત સામસામે આવ્યા હતા જેમાં જૉકોવિચને સાત વખત જીત મળી છે. જૉકોવિચે એક ફ્રેન્ચ ઓપન, પાંચ વિમ્બલડન અને ત્રણ યુએસ ઓપન ટાઇટલ પણ જીત્યાં છે. કોઈ પણ ત્રણ દશકમાં વર્ષનું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનારો તે પહેલો ટેનિસ પ્લેયર અને ઓવરઑલ બીજો ટેનિસ પ્લેયર બન્યો છે. તેની પહેલાં ઑસ્ટ્રેલિયન પ્લેયર કેન રોસવોલે ૧૯૫૦, ૧૯૬૦ અને ૧૯૭૦ના દશકાનું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ પોતાના નામે કરવાનો રેકૉર્ડ ધરાવતો હતો. જૉકોવિચ આ ટાઇટલ જીતી જતાં એટીપી રૅન્કિંગમાં રાફેલ નડાલને પછાડી પહેલા ક્રમે આવી ગયો છે.

ટાઇટલ જીતી લીધા બાદ આપેલી સ્પીચમાં જૉકોવિચે ઑસ્ટ્રેલિયાની ખતરનાક બુશફાયરમાં માર્યા ગયેલા લોકોને અને કોબે બ્રાયન્ટને ફરીથી યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

સામા પક્ષે મેન્સ ડબલ્સમાં રાજીવ રામ અને જો સાલેસબરીએ લુક સવિલી અને મેક્સ પુરસેલને ૬-૪, ૬-૨થી હાર આપી ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પોતાને નામ કર્યું હતું.

novak djokovic australian open tennis news sports news