પ્લિસકોવાને હરાવીને ૩૦ વર્ષની મૅગ્ડ લિનેટ સેમીમાં

26 January, 2023 04:57 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ઈજાગ્રસ્ત જૉકોવિચ, પૉલ, સિત્સિપાસ, હાચાનૉફ લાસ્ટ-ફોરમાં

કૅરોલિના પ્લિસકોવા

ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ ટુર્નામેન્ટની સિંગલ્સની પહેલી વાર સેમી ફાઇનલમાં કે ફાઇનલમાં સામાન્ય રીતે ૩૦ વર્ષથી ઓછી ઉંમરની નવયુવાન ખેલાડી જ પહોંચતી હોય છે, પરંતુ પોલૅન્ડની મૅગ્ડ લિનેટ જે ૩૦ વર્ષની છે તે ગઈ કાલે મેલબર્નમાં ઑસ્ટ્રેલિયન ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન કૅરોલિના પ્લિસકોવાને ૬-૩, ૭-૫થી હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. આ સ્પર્ધાની અનસીડેડ હાલમાં સિંગલ્સમાં ૪૬મા નંબરે છે.

વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉનટેક પણ પોલૅન્ડની છે અને તે આ ટુર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ મનાતી હતી, પરંતુ તે આ અઠવાડિયે હારી જતાં ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી અને હવે લિનેટ ટાઇટલ માટે ફેવરિટ ગણાય છે. તે સેમીમાં પાંચમા ક્રમની ઍરીના સબાલેન્કા સામે રમશે, જેણે ક્વૉર્ટરમાં ડોના વેકિચને ૬-૩, ૬-૨થી હરાવી હતી. બીજી સેમી ફાઇનલ ઍઝરેન્કા અને રબાકિના વચ્ચે રમાશે.

મેન્સમાં ભૂતપૂર્વ નંબર-વન નોવાક જૉકોવિચ ગઈ કાલે ક્વૉર્ટરમાં પણ ડાબી સાથળ પર પટ્ટો પહેરીને રમ્યો હતો અને તેણે એ મુકાબલામાં રશિયાના ઑન્ડ્રે રુબ્લેવને ૬-૧, ૬-૨, ૬-૪થી હરાવ્યો હતો. જૉકોવિચ ૯ વખત ઑસ્ટ્રેલિયન ઓપનનું સિંગલ્સનું ટાઇટલ જીત્યો છે અને ૧૦મી ટ્રોફીની તલાશમાં છે. તે સેમીમાં અમેરિકાના ટૉમી પૉલ સામે રમશે. પૉલે ક્વૉર્ટરમાં બેન શેલ્ટનને ૮-૬, ૬-૩, ૫-૭, ૬-૪થી હરાવ્યો હતો. શુક્રવારની બીજી સેમી ફાઇનલ ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસ અને રશિયાના કરેન હાચાનૉફ વચ્ચે રમાશે. ક્વૉર્ટરમાં સિત્સિપાસે જીરી લેહેકાને ૬-૩, ૭-૨, ૬-૪થી હરાવ્યો હતો અને અમેરિકાનો સૅબાસ્ટિયન કોર્ડા ઈજાને લીધે વહેલો નીકળી જતાં હાચાનૉફે સેમી ફાઇનલમાં આસાનીથી પ્રવેશ કર્યો હતો.

sports news sports tennis news australian open