સાનિયા સાતમા આસમાને પહોંચવાની તૈયારીમાં જ છે

26 January, 2023 04:17 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

બોપન્ના સાથેની જોડીમાં ફાઇનલમાં પહોંચી : ઑસ્ટ્રેલિયન ઓપનનું ત્રીજું ટાઇટલ જીતવાનો મોકો

સાનિયા મિર્ઝા

મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચૅમ્પિયનશિપ ભારતની ટોચની ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા માટે નસીબવંતી છે અને ત્યાં તે વધુ એક સિદ્ધિ મેળવવાની તૈયારીમાં છે. મૂળ હૈદરાબાદની અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કર્યા બાદ દુબઈમાં રહેતી ૩૬ વર્ષની સાનિયા કુલ ૬ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી છે અને હવે સાતમી મેજર ટ્રોફી જીતવાની લગોલગ પહોંચી ગઈ છે.
સાનિયા અને ભારતના રોહન બોપન્નાની અનસીડેડ જોડી ગઈ કાલે મિક્સ્ડ-ડબલ્સની સેમી ફાઇનલમાં થર્ડ-સીડેડ ડેસિરી ક્રૉઝીક અને નીઅલ સ્કુપ્સ્કીને ૭-૫, ૫-૭, ૧૦-૬થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

સાનિયા ૬ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી છે જેમાંનાં બે ઑસ્ટ્રેલિયન ઓપનનાં અને બે યુએસ ઓપનનાં તેમ જ એક-એક ટાઇટલ વિમ્બલ્ડન અને ફ્રેન્ચ ઓપનનાં છે. તેની પાસે ત્રણ વિમેન્સ ડબલ્સનાં અને ત્રણ મિક્સ્ડ-ડબલ્સનાં છે. આ તમામ ૬ ટાઇટલમાંથી તે પ્રથમ ટાઇટલ (મિક્સ્ડ-ડબલ્સમાં) ૨૦૦૯માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં અને છેલ્લું ટાઇટલ (વિમેન્સ ડબલ્સમાં) ૨૦૧૬માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં જીતી હતી. તે આવતા મહિને નિવૃત્ત થવાની છે અને એ પહેલાંની તેની વર્તમાન ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ પણ ઑસ્ટ્રેલિયન ઓપન છે, જેમાં તેને ત્રીજું અને કરીઅરનું કુલ સાતમું ટાઇટલ જીતવાની સોનેરી તક છે.

 સાનિયાએ કહ્યું એમ અમે સેમી ફાઇનલમાં ટફ ટીમને લડત આપીને જીત્યાં. સાનિયા સાથે રમવાની ખૂબ મજા આવી રહી છે. તે કમાલની પ્લેયર છે. તે નિવૃત્તિ પહેલાં મેલબર્નમાં વધુ એક ટાઇટલ જીતે એની જ અમે તલાશમાં છીએ. અમારું ટાઇટલ ભારતમાં યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બનશે. રોહન બોપન્ના

sports news sports tennis news sania mirza australian open