01 August, 2026 11:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૉમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ભારતને બે ગોલ્ડ મેડલ
ત્રિપુરામાં જન્મેલી અસ્મિતા ડેએ કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. કૉમનવેલ્થ ગેમ્સની જુડો રમતના ઇતિહાસમાં ભારતનો આ ઓવરઑલ બારમો મેડલ અને પહેલવહેલો ગોલ્ડ મેડલ છે.
૨૩ વર્ષની અસ્મિતા ડેએ મહિલાઓની ૪૮ કિલોની કૅટેગરીની ફાઇનલમાં કૅનેડાની હરીફને હરાવીને ભારતને આ આવૃત્તિનો ૧૮મો મેડલ અપાવ્યો હતો. ગયા ડિસેમ્બરમાં તેના સાઇકલ-મૅકેનિક પપ્પાનું અવસાન થયું હતું. તે ઉત્તર પ્રદેશ પોલીસમાં સબ-ઇસ્પેક્ટર પણ છે.
અસ્મિતા ડેના ઐતિહાસિક ગોલ્ડ મેડલની સિદ્ધિની ૩૦ મિનિટની અંદર ઉત્તર પ્રદેશના ૨૩ વર્ષના હર્ષ સિંહે જુડોમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની ૬૦ કિલો કૅટેગરીની ફાઇનલમાં તેણે ઑસ્ટ્રેલિયાના હરીફને હરાવીને ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને ૧૯મો મેડલ અપાવ્યો હતો.
કૉમનવેલ્થ ગેમ્સની જુડો રમતના ઇતિહાસમાં ભારતનો આ તેરમો મેડલ અને સતત બીજો ગોલ્ડ મેડલ હતો. ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ હતો.