✕

એશિયન ગેમ્સમાં સતત બારમી વખત સૌથી વધુ મેડલ જીત્યું ચીન

05 October, 2026 02:24 PM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

ચીનની ૧૩ વર્ષની સ્વિમર અને થાઇલૅન્ડનો 20 વર્ષનો દોડવીર ટુર્નામેન્ટના મોસ્ટ વૅલ્યુએબ્લ પ્લેયર બન્યા

મોસ્ટ વૅલ્યુએબ્લ પ્લેયરના અવૉર્ડ સાથે યુ ઝિડી અને પુરીપોલ બૂનસો

જપાનમાં એશિયન ગેમ્સની વીસમી સીઝનમાં ૪૬ દેશોના ૧૭,૦૦૦થી વધુ ખેલાડીઓ અને અધિકારીઓ એકત્રિત થયા હતા. ૪૩ રમતોની ૪૬૯ ઇવેન્ટમાં ચીન ૩૪૧ મેડલ સાથે મેડલ-ટૅલીમાં નંબર વન રહ્યું હતું. છેલ્લી ૧૨ સીઝનથી ચીન મેડલ-ટૅલીમાં સર્વોચ્ચ સ્થાન મેળવી રહ્યું છે. જપાન પહેલી આઠ સીઝનમાં સૌથી વધુ મેડલ જીતતું હતું.

ચીનની ૧૩ વર્ષની સ્વિમર યુ ઝિડીએ ત્રણ સુવર્ણ ચંદ્રકો જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ  સ્કૂલગર્લે ગેમ્સની મહિલા ખેલાડી તરીકે મોસ્ટ વૅલ્યુએબ્લ પ્લેયરનો અવૉર્ડ જીત્યો હતો. પુરુષ ખેલાડી તરીકે થાઇલૅન્ડનો બે ગોલ્ડ જીતનાર ૨૦ વર્ષનો દોડવીર  પુરીપોલ બૂનસો અવૉર્ડ જીત્યો હતો.

જપાનની યુકી કુરિહારાએ ઇ-સ્પોર્ટ્‍સમાં ગોલ્ડ જીતીને એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ચૅમ્પિયન તરીકે નામના મેળવી હતી. ઑલિમ્પિક્સમાં જોડાવા ઇચ્છુક ઘણી રમતોએ પણ પોતાનો પ્રવેશ કર્યો જેમાં પેડલ, મિક્સ્ડ માર્શલ આર્ટ અને વર્ચ્યુઅલ તાએ ક્વોન ડોનો સમાવેશ થાય છે.

એશિયન ગેમ્સ 2026માં ટૉપ પાંચ દેશો 

ચીન : ૧૬૯ ગોલ્ડ, ૮૯ સિલ્વર, ૮૩ બ્રૉન્ઝ સહિત ૩૪૧ મેડલ 
જપાન : ૮૩ ગોલ્ડ, ૯૫ સિલ્વર, ૯૧ બ્રૉન્ઝ સહિત ૨૬૯ મેડલ 
સાઉથ કોરિયા : ૩૯ ગોલ્ડ, ૪૩ સિલ્વર, ૬૮ બ્રૉન્ઝ સહિત ૧૫૦ મેડલ 
ભારત : ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર, ૩૭ બ્રૉન્ઝ સહિત ૮૫ મેડલ 
ઉઝબેકિસ્તાન : ૨૧ ગોલ્ડ, ૨૫ સિલ્વર, ૨૪ બ્રૉન્ઝ સહિત ૭૦ મેડલ 

asian games japan india china south korea uzbekistan sports sports news