15 September, 2024 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં સતત પાંચમી જીત મેળવી છે
એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ૨-૧થી હરાવીને ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં સતત પાંચમી જીત મેળવી છે. પાકિસ્તાને આઠમી મિનિટના ગોલથી લીડ મેળવી હતી, પરંતુ કૅપ્ટન હરમનપ્રીત સિંહ (૧૩મી અને ૧૯મી મિનિટ)એ બે પેનલ્ટી કૉર્નરને ગોલમાં ફેરવીને ભારતને જીત અપાવી હતી. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ પ્રથમ હાર હતી. પૅરિસ ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ મેડલ વિજેતા ભારતે અત્યાર સુધીની સફરમાં યજમાન ચીનને ૩-૦, જપાનને ૫-૧, મલેશિયાને ૮-૧ અને કોરિયાને ૩-૧થી હરાવ્યું હતું.
પાકિસ્તાનની હૉકી ટીમ હમણાં સુધીમાં ભારત સામે ૧૮૧માંથી ૮૨ મૅચ જીતી છે, જ્યારે ભારતે ગઈ કાલે ૬૭મી જીત મેળવી હતી. જોકે પાકિસ્તાન છેલ્લે ૨૦૧૬માં જ ભારત સામે જીત્યું હતું, ત્યાર બાદ રમાયેલી ૧૭ મૅચમાં ભારતે પંદરમાં જીત મેળવી છે અને બે મૅચ ડ્રૉ રહી હતી એટલે કે ભારત સતત ૧૭ મૅચથી પાકિસ્તાન સામે અજેય રહ્યું છે.
સેમી ફાઇનલ કોની વચ્ચે રમાશે?
ભારત, પાકિસ્તાન, ચીન અને કોરિયાએ અનુક્રમે પૉઇન્ટ-ટેબલમાં ટૉપ-ફોરમાં સ્થાન મેળવ્યું છે જેથી ૧૬ ઑગસ્ટે ૧.૧૦ વાગ્યે પહેલી સેમી ફાઇનલ પાકિસ્તાન-ચીન વચ્ચે જ્યારે ૩.૩૦ વાગ્યે બીજી સેમી ફાઇનલ ભારત-કોરિયા વચ્ચે રમાશે. ૧૭ સપ્ટેમ્બરે સેમી ફાઇનલ હારનાર ટીમો વચ્ચે ત્રીજા સ્થાન માટેની મૅચ અને સેમી ફાઇનલ જીતનાર ટીમ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે.