23 November, 2026 03:50 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બન્ને ટીમોના પ્લેયર્સે એકસાથે ગ્રુપ-ફોટો પડાવ્યો.
ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચેના ૧૦૦ વર્ષના સ્પોર્ટ્સ સંબંધોની ઉજવણી માટે ઑકલૅન્ડમાં હાલમાં સેન્ચુરી ઑફ સ્પોર્ટિંગ યુનિટી નામની ત્રણ મેન્સ હૉકી મૅચની સિરીઝ રમાઈ હતી. યંગ ભારતીય ટીમે આ સિરીઝમાં ૧-૦થી બાજી મારી છે. ન્યુ ઝીલૅન્ડે આ સિરીઝ દરમ્યાન પાંચ પ્લેયર્સનું ડેબ્યુ કરાવ્યું હતું. ભારતે આ સિરીઝમાં એક પણ મૅચ હાર્યા વિના સફર પૂર્ણ કરી હતી. ૧૯ નવેમ્બરે પહેલી મૅચ ભારતે ૩-૨થી જીતી હતી. ત્યાર પછી શનિવારે અને રવિવારે રમાયેલી બન્ને મૅચો ૨-૨થી ડ્રૉ રહી હતી. આ શતાબ્દી કાર્યક્રમે બન્ને દેશોને તેમના સહિયારા સ્પોર્ટ્સ ઇતિહાસની ઉજવણી કરવાની અને હૉકી ક્ષેત્રે તેમના સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડી હતી.
સાઉથ આફ્રિકા અને બંગલાદેશ વચ્ચેની ટેસ્ટ-સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ-મૅચ આજથી શરૂ થશે. સેન્ચુરિયનમાં સુપરસ્પોર્ટ પાર્કમાં રમાનારી આ મૅચ બે ટેસ્ટની સિરીઝ માટે નિર્ણાયક બનશે. જોહનિસબર્ગમાં પહેલી ટેસ્ટ-મૅચ જીતીને યજમાન ટીમ આ સિરીઝમાં ૧-૦થી આગળ છે. બંગલાદેશનો નંબર વન ટેસ્ટ-બૅટર મુશફિકુર રહીમ ઇન્જરીને કારણે બીજી ટેસ્ટ-મૅચમાંથી બહાર થઈ ગયો છે. સેન્ચુરિયનના આ સ્ટેડિયમમાં બંગલાદેશી ટીમ ૧૯ વર્ષ પછી રમશે. નવેમ્બર ૨૦૦૮માં અહીં રમેલી એકમાત્ર ટેસ્ટ-મૅચમાં બંગલાદેશને સાઉથ આફ્રિકા સામે એક ઇનિંગ્સ અને ૪૮ રનથી હાર મળી હતી. આ બન્ને ટીમો વચ્ચે રમાયેલી ૮માંથી ૭ ટેસ્ટ-મૅચ સાઉથ આફ્રિકાએ જીતી છે. ૨૦૧૫માં રમાયેલી એકમાત્ર બે ટેસ્ટ-મૅચની સિરીઝ ૦-૦થી ડ્રૉ રહી હતી.
ઇન્દોરમાં આયોજિત IBSF વર્લ્ડ વિમેન્સ સ્નૂકર ચૅમ્પિયનશિપમાં અનુપમા રામચંદ્રને સતત બીજી વખત ખિતાબ જીત્યો. ફાઇનલમાં ૨૪ વર્ષની અનુપમાએ હૉન્ગકૉન્ગની હરીફ સામે ૩-૧થી જીત મેળવીને સતત બે વાર આ ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ મેળવ્યું હતું. ૨૦૦૩થી રમાતી આ ટુર્નામેન્ટમાં અનુપમા ભારતની પ્રથમ મહિલા ઇન્ટરનૅશનલ બિલિયર્ડ્સ ઍન્ડ સ્નૂકર ફેડરેશન (IBSF) વર્લ્ડ સ્નૂકર ચૅમ્પિયન છે. ૨૦૨૫માં કતરના દોહામાં તેણે આ ટાઇટલ જીત્યું હતું. ૧૯૬૩થી રમાતી મેન્સ સ્નૂકર ચૅમ્પિયનશિપમાં ભારત તરફથી ઓમ અગ્રવાલે (૧૯૮૪) અને પંકજ અડવાણી (૨૦૦૩, ૨૦૧૫, ૨૦૧૭ )એ ટાઇટલ જીત્યું છે. જોકે તેઓ ક્યારેય ટાઇટલ ડિફેન્ડ નથી કરી શક્યા.
મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત વિમેન્સ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026માં ભારતીય હૉકી ટીમે જીતની હૅટ-ટ્રિક કરી છે. ગઈ કાલે થાઇલૅન્ડ સામે ભારેત ૭-૦થી મૅચ જીતી હતી. હાફ ટાઇમમાં જ ભારતે ૪-૦થી લીડ મેળવી લીધી હતી. દીપિકા કુમારીએ ૩ ગોલ નોંધાવ્યા હતા. મલેશિયા અને સાઉથ કોરિયા સામેની જ મૅચમાં ૧-૧ ગોલ આપનાર ભારતીય ટીમ હાલમાં ૬ ટીમો વચ્ચે પૉઇન્ટ-ટેબલમાં ટૉપર છે. ૨૪ નવેમ્બરે ચીન અને ૨૫ નવેમ્બરે જપાન સામે ભારતીય ટીમ આગામી મૅચો રમશે.