આંધ્ર પ્રદેશની રનર જ્યોતિ યારાજીએ હિમા દાસ અને દુતી ચંદને હરાવી

02 October, 2022 06:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૅશનલ ગેમ્સમાં મહિલાઓની ૧૦૦ મીટર દોડ સ્પર્ધામાં અપસેટ

આંધ્ર પ્રદેશની રનર જ્યોતિ યારાજીએ હિમા દાસ અને દુતી ચંદને હરાવી

ગુજરાતમાં આયોજિત ૩૬મી નૅશનલ ગેમ્સમાં ગઈ કાલે મહિલાઓની ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં ભારે અપસેટ જોવા મળ્યો હતો. ૧૦૦ મીટર વિઘ્ન દોડમાં રાષ્ટ્રીય રેકૉર્ડ ધરાવતી જ્યોતિ યારાજીએ ૧૦૦ મીટર દોડ ૧૧.૫૧ સેકન્ડમાં પૂરી કરી હતી. આ સ્પર્ધામાં ઓડીશાની દુતી ચંદ અને આસામની હિમા દાસને પણ હરાવી હતી. તામિલનાડુની અર્ચની સુસેન્દ્રન (૧૧.૫૫ સેકન્ડ) અને મહારાષ્ટ્રની ડિયાન્ડ્રા વલ્લાડરેસ (૧૧.૬૨ સેકન્ડ) સાથે અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા હતી. નૅશનલ રેકૉર્ડ ધરાવતી દુતી ૧૧.૬૯ સેકન્ડ સાતે છઠ્ઠા સ્થાને તો હિમા દાસ ૧૧.૭૪ સેકન્ડ સાથે સાતમા ક્રમાંકે આવી હતી. વિજય બાદ જ્યોતિએ કહ્યું હતું કે ‘હું અહીં જીતવા કે હારવાનો વિચાર કરીને નહોતી આવી. દુુતી અને હિમાએ હંમેશાં મને પ્રોત્સાહિત કરી છે. તેમણે આપેલા ટેકા બદલ હું તેમનો આભાર માનું છું.’

પુરુષોની ૧૦૦ મીટર દોડ સ્પર્ધા આસામના અમલાન બોર્ગોહેઇને જીતી લીધી હતી. તામિલનાડુના જેસ્વિન ઍલ્ડ્રિને લાંબા કૂદકામાં ૮.૨૬ મીટર અંતર કાપીને ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત ૨૦૨૩ વર્લ્ડ ઍથ્લેટિક ચૅમ્પિયનશિપ માટે પણ ક્વૉલિફાય થયો હતો. આ સ્પર્ધામાં ક્વૉલિફાય થવા માટે ૮.૨૫ મીટરના માર્કને પાર કર્યો હતો. આ સાથે જ તેણે કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા કેરલાના મુરલી શ્રીશંકરને પણ હરાવ્યો હતો.

અંકિતાએ ગુજરાતને અપાવ્યો ગોલ્ડ મેડલ

અંકિતા રૈનાએ ફરી એક વાર ગુજરાતની વિમેન્સ ટેનિસ ટીમને ગોલ્ડ જાળવી રાખવામાં મદદ કરી હતી. ગુજરાતે ફાઇનલમાં મહારાષ્ટ્રને ૨-૧થી હરાવી ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. નૅશનલ ગેમ્સમાં ગુજરાતનો આ પાંચમો ગોલ્ડ હતો. ગુજરાત પહેલી મૅચ હાર્યું હતું, પરંતુ ત્યાર બાદ અંકિતાએ સિંગ્લસ અને ડબ્લ્સમાં જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

sports news