અલ્જિરિયા આફ્રિકા કપની બહાર થયુંઃ આઇવરી કોસ્ટ ટાઇટલ માટે નવું દાવેદાર

22 January, 2022 10:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૪ આફ્રિકન દેશો વચ્ચેની આફ્રિકા કપ ફુટબૉલ સ્પર્ધામાં ગુરુવારે મોટી ઊથલપાથલ થઈ હતી.

ગુરુવારે લંડનમાં લીગ કપની મૅચ દરમ્યાન ફુટબૉલને પોતાના કબજામાં લેવાના પ્રયાસમાં લિવરપુલનો ડિઓગો જોટા. બન્ને ગોલ તેણે કર્યા હતા. એ.પી.

૨૪ આફ્રિકન દેશો વચ્ચેની આફ્રિકા કપ ફુટબૉલ સ્પર્ધામાં ગુરુવારે મોટી ઊથલપાથલ થઈ હતી. ગયા વખતનું ચૅમ્પિયન અને ટાઇટલ માટેનું મજબૂત દાવેદાર અલ્જિરિયા આઉટ થઈ ગયું હતું અને એને ૩-૧થી પરાસ્ત કરનાર આઇવરી કોસ્ટ ટ્રોફી જીતવા માટેનું નવું દાવેદાર બન્યું છે.
અલ્જિરિયા આ વખતે બે પરાજયને લીધે સ્પર્ધામાં આગળ જ નહોતું વધી શક્યું. ૧૬ જાન્યુઆરીએ એનો ઇક્વેટોરિયલ ગિની નામના ટચૂકડા દેશની ટીમ સામે ૦-૧થી પરાજય થયો હતા અને સિયરા લીઓની સામેની મૅચ ૦-૦થી ડ્રૉ ગઈ હતી. આમ, અલ્જિરિયા ગ્રુપ ‘ઇ’ના પૉઇન્ટસ-ટેબલમાં સાવ તળિયે રહી ગયું. આ ગ્રુપમાં આઇવરી કોસ્ટ બે જીત અને એક ડ્રૉ સાથે મોખરે છે. ગુરુવારે આઇવરી કોસ્ટ વતી ફ્રાન્ક કેસી (૨૨મી મિનિટ), ઇબ્રાહિમ સંગારે (૩૯) અને નિકોલસ પેપે (૫૪)એ ગોલ કર્યા હતા.
આ સ્પર્ધાની અન્ય મૅચોમાં ઇક્વેટોરિયલ ગિનીએ સિયરા લીઓનીને ૧-૦થી, ઇજિપ્તે સુદાનને ૧-૦થી અને નાઇજીરિયાએ ગિની-બિસાઉને ૨-૦થી હરાવ્યું હતું. મુખ્ય પ્રી-ક્વૉર્ટર મૅચોમાં આઇવરી કોસ્ટ-ઇજિપ્ત, કૅમેરુન-કૉમોરોસ, નાઇજીરિયા-ટ્યુનિશિયા અને માલી-ઇક્વેટોરિયલ ગિની વચ્ચે ટક્કર થશે.
લીગ કપમાં ચેલ્સી-લિવરપુલની ફાઇનલ ૨૭ ફેબ્રુઆરીએ રમાશે
ઇંગ્લૅન્ડના લીગ કપ (ઈએફએલ કપ)માં ગુરુવારે લિવરપુલે સેમી ફાઇનલના બીજા તબક્કામાં આર્સેનલને ૨-૦થી હરાવીને ચેલ્સી સામેની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આફ્રિકા કપમાં રમવા ગયેલા ઇજિપ્તના મોહમ્મદ સાલહની ગેરહાજરીમાં ડિઓગો જોટાએ બે ગોલ (૧૯, ૭૭મી મિનિટે) કરીને સાલહની ખોટ નહોતી વર્તાવા દીધી. ચેલ્સીની ટીમ ટૉટનમને સેમીમાં હરાવીને ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલ ૨૭ ફેબ્રુઆરીએ રમાશે.
બાર્સેલોના પ્રી-ક્વૉર્ટરમાં હાર્યું
સ્પેનની કોપા ડેલ રે લીગમાં ગુરુવારે બાર્સેલોનાની ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ઍથ્લેટિક ક્લબ સામેના રોમાંચક મુકાબલામાં ૩-૨થી હારી જતાં સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ હતી. બાર્સેલોનાની ટીમ સ્પૅનિશ સુપર કપ અને ચૅમ્પિયન્સ લીગમાં પણ આગળ વધવામાં નિષ્ફળ ગઈ હોવાથી એની મુશ્કેલી વધી ગઈ છે. કોપામાં એક્સ્ટ્રા ટાઇમમાં બાર્સેલોનાના પેડ્રીએ ગોલ કરીને સ્કોર ૨-૨થી સમાન કર્યો, પણ ૧૦૬મી મિનિટે ઇકર મુનિયાઇને ગોલ કરીને ઍથ્લેટિકને વિજય અપાવ્યો હતો.

sports news