ટી૨૦ વર્લ્ડ કપ પહેલાંની સિરીઝથી વધશે આત્મવિશ્વાસ - શિખર ધવન

22 September, 2019 11:30 AM IST  |  મુંબઈ ડેસ્ક

ટી૨૦ વર્લ્ડ કપ પહેલાંની સિરીઝથી વધશે આત્મવિશ્વાસ - શિખર ધવન

શિખર ધવન

બૅન્ગલોર : (પી.ટી.આઇ.) આવતા વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે દરેક ટીમે મહેનત કરવાની શરૂઆત કરી દીધી છે. એવામાં ભારતીય ક્રિકેટમાં જે નવા પ્લેયર આવ્યા છે તેમને લઈને સિનિયર પ્લેયર શિખર ધવને કહ્યું છે કે ટી૨૦ વર્લ્ડ કપ હાલમાં નવા પ્લેયરો માટે એક સારું પ્લૅટફૉર્મ છે. આ વિશે વિસ્તૃત વાત કરતાં ધવને કહ્યું હતું કે ‘વૉશિંગ્ટન સુંદર અને દીપક ચાહર જેવા નવા પ્લેયરોને આવતા વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે તૈયાર કરવા અને તેમનો આત્મવિશ્વાસ વધારવા માટેનું આ એક સારું પ્લૅટફૉર્મ છે. વૉશિંગ્ટનની બોલિંગ ખરેખર સારી છે અને પોતાની બોલિંગ પર કન્ટ્રોલ રાખવાની સાથે તેનામાં વરાઇટી પણ ઘણી છે. દીપકની સારી વાત એ છે કે તે બૉલને બન્ને બાજુએથી સ્વિંગ કરી શકે છે અને સ્પીડ પણ સંભાળી શકે છે. આ નવા પ્લેયરો માટે ખાસ જરૂરી છે કે તેઓ નર્વસ થયા વગર વાતચીત કરે અને સિનિયર પ્લેયર તરીકે અમારી જવાબદારી છે કે તેમનું યોગ્ય માર્ગદર્શન કરીએ. આજની તારીખે પણ હું, રોહિત અને વિરાટ જ્યારે પણ ફીલ્ડ પર હોઈએ છીએ ત્યારે સતત ચર્ચાવિચારણા કરતા જ હોઈએ છીએ.’

આ ઉપરાંત ધવને આશા વ્યક્ત કરી છે કે ટીમ-મૅનેજમેન્ટ યુવા પ્લેયરોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક જરૂર આપશે. આ સંદર્ભે ધવને કહ્યું હતું કે ‘નવા યુવાઓ માટે આ એક સારી તક છે જે તેમને લાંબા ગાળા સુધી કામ લાગી શકે છે, કારણ કે જ્યારે કોઈ નવો પ્લેયર આવે છે ત્યારે તેને પોતાની વાત કહેવામાં સમય લાગે છે. જોકે નવા યુવા પ્લેયરોને બન્ને હાથમાં તક છે અને મને વિશ્વાસ છે કે ટીમ-મૅનેજમેન્ટ તેમને લઈને લાંબા ગાળાનો વિચાર પણ કરશે.’

shikhar dhawan cricket news