News In Shorts: થાઇલૅન્ડ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચી પી. વી. સિંધુ

21 May, 2022 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે તેણે વિશ્વની નંબર વન ખેલાડી જપાનની અકાને યામાગુચીને ૨૧-૧૫, ૨૦-૨૨, ૨૧-૧૩થી હરાવી હતી.

પીવી સિંધુ

થાઇલૅન્ડ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચી પી. વી. સિંધુ

બે વખત ઑલિમિપ્ક મેડલ જીતનાર પી. વી. સિંધુએ બૅન્ગકૉકમાં રમાતી થાઇલૅન્ડ ઓપન સુપર ૫૦૦ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈ કાલે તેણે વિશ્વની નંબર વન ખેલાડી જપાનની અકાને યામાગુચીને ૨૧-૧૫, ૨૦-૨૨, ૨૧-૧૩થી હરાવી હતી. ફાઇનલમાં તેની ટક્કર ઑલિમ્પિક ચૅમ્પિયન ચીનના ચેન યુ ફેઇ સામે થશે. વર્તમાન ચૅમ્પિયન યામાગુચી સામે તેણે આ સાથે ૧૪મો વિજય મેળવ્યો છે. તો યામાગુચી પણ ૯ વખત જીતી ચૂકી છે. 

ન્યુ ઝીલૅન્ડના ત્રણ ખેલાડીઓ કોરોના-પૉઝિટિવ

ન્યુ ઝીલૅન્ડની ટીમ આવતા મહિનાથી ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે, પરંતુ એ પહેલાં બ્રાઇટનમાં યોજાયેલી ટીમના કૅમ્પમાં કોરોનાના ત્રણ કેસ જોવા મળ્યા છે. ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે બૅટર હેન્રી નિકોલસ, ફાસ્ટ બોલર બ્લેર ટિકનર અને બોલિંગ-કોચ શૅન જર્ગેનસન રૅપિડ ઍન્ટિજન ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યા હતા. આ ત્રણેયને પાંચ દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બાકી તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 

એશિયા કપ માટે હૉકી ટીમ જકાર્તા જવા રવાના

એશિયા કપનું ટાઇટલ પોતાના નામે યથાવત્ રાખવા ભારતીય પુરુષોની હૉકી ટીમ ઑલિમ્પિક બ્રૉન્ઝ મેડલ વિજેતા ટીમના ખેલાડી બીરેન્દ્ર લાકરાના નેતૃત્વમાં ગઈ કાલે બૅન્ગલોરથી જકાર્તા જવા રવાના થઈ હતી. પુલ-‘એ’માં ભારત સામે જપાન, પાકિસ્તાન અને યજમાન ઇન્ડોનેશિયાની ટીમ છે; તો પુલ-‘બી’માં મલેશિયા, કોરિયા, ઓમાન અને બંગલાદેશ જેવી ટીમો છે. સોમવારે ભારત પાકિસ્તાન સામે પહેલી મૅચ રમશે. કૅપ્ટન બીરેન્દ્રએ કહ્યું કે ‘આ બહુ મોટી ટુર્નામેન્ટ છે. કેટલાક ખેલાડીઓ પહેલી વખત આ ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે એથી માહોલ બહુ ઉત્સાહવર્ધક છે. બૅન્ગલોરમાં યોજાયેલો અમારો કૅમ્પ બહુ સારો રહ્યો હતો.’

pv sindhu sports news