News In Short: આવતા વર્ષે આઇપીએલમાં કમબૅક કરીશ જ- ડિવિલિયર્સ

25 May, 2022 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોર મારું બીજું હોમટાઉન છે અને હું ત્યાં કમબૅક કરીશ જ

એ. બી. ડિવિલિયર્સે

આવતા વર્ષે આઇપીએલમાં કમબૅક કરીશ જ ઃ ડિવિલિયર્સ

સાઉથ આફ્રિકાના અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ભૂતપૂર્વ ખેલાડી એ. બી. ડિવિલિયર્સે ગઈ કાલે પોતાને લગતી અટકળને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે ‘હું આઇપીએલની આવતા વર્ષની સીઝનમાં બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝી સાથે પાછો જોડાવાનો જ છું. બૅન્ગલોર મારું બીજું હોમટાઉન છે અને હું ત્યાં કમબૅક કરીશ જ. આરસીબીમાં મારો કેવા પ્રકારનો રોલ હશે એ તો નથી જાણતો, પણ પાછો આવીશ જ.’

રોહન બોપન્ના ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં
પૅરિસની ફ્રેન્ચ ઓપનમાં ગઈ કાલે ભારતના રોહન બોપન્ના અને નેધરલૅન્ડ્સના મૅટવે મિડલકૂપની જોડીએ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં ફ્રાન્સના સૅસ્કા ગ્વેમાર્ડ વાયેનબર્ગ અને લ્યુકા વૅન ઍસ્કેને ૬-૪, ૬-૧થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પુરુષોની સિંગલ્સમાં વર્લ્ડ નંબર-ટૂ ડેનિલ મેડવેડેવ આર્જેન્ટિનાના ફૅકન્ડો બાગ્નિસને ૬-૨, ૬-૨, ૬-૨થી હરાવીને સેકન્ડ રાઉન્ડમાં પહોંચી ગયો હતો. એ પહેલાં, વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચે જપાનના યોશિહિતો નિશિઓકાને ૬-૩, ૬-૧, ૬-૦થી અને રાફેલ નડાલે જૉર્ડન થોમ્પસનને ૬-૨, ૬-૨, ૬-૨થી પરાજિત કરીને સેકન્ડ રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. ટીનેજર હૉલ્ગર રુને ડેનિસ શાપોવાલોવને ૬-૩, ૬-૧, ૭-૪થી હરાવીને અપસેટ સરજ્યો હતો. ફ્રાન્સની ટેસ્સાહ સામે કૅરોલિના પ્લિસકોવા સંઘર્ષ બાદ ૨-૬, ૬-૩, ૬-૧થી જીતી હતી. એમ્મા રાડુકાનુએ ટીનેજર લિન્ડા નૉસ્કોવાને મહામહેનતે ૪-૭, ૭-૫, ૬-૧થી હરાવી હતી.

ભારત હૉકીમાં ૨-૫થી હાર્યું ઃ એક્ઝિટની નજીક
જકાર્તામાં મેન્સ એશિયા કપ હૉકીમાં ભારતીય ટીમ જપાન સામેની મૅચમાં ૨-૫થી હારી ગઈ હતી. ભારતે હવે નૉકઆઉટમાં પહોંચવા યજમાન ઇન્ડોનેશિયાને મોટા તફાવતથી હરાવવું પડશે. ગઈ કાલે પાકિસ્તાને ઇન્ડોનેશિયાને ૧૩-૦થી કચડી નાખ્યું હતું.

પ્રજ્ઞાનાનંદ ચીનના હરીફને હરાવીને સેમી ફાઇનલમાં


ભારતનો ૧૬ વર્ષનો ચેસ-સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદ ગઈ કાલે ચેસેબલ માસ્ટર્સ ૨૦૨૨ ઑનલાઇન ટુર્નામેન્ટમાં ચીનના વેઈ યિને ૨.૫-૧.૫થી હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી ગયો હતો. તે સેમીમાં આ ટુર્નામેન્ટના મોખરાના ખેલાડી નેધરલૅન્ડ્સના અનિશ ગિરિ સામે રમશે. બીજી સેમીમાં વર્લ્ડ નંબર-વન નોર્વેનો મૅગ્નસ કાર્લસન ચીનના ડિન્ગ લાઇરેન સામે રમશે. પ્રજ્ઞાનાનંદ સેમી જીતશે તો ફાઇનલમાં કદાચ કાર્લસન સામે ફરી ટકરાશે. પ્રજ્ઞાનાનંદે છઠ્ઠા રાઉન્ડમાં કાર્લસનને હરાવ્યો હતો.

વેટોરી ઑસ્ટ્રેલિયાનો અસિસ્ટન્ટ કોચ
ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ડેનિયલ વેટોરીને ઑસ્ટ્રેલિયાની મેન્સ ક્રિકેટ ટીમના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેને આઇપીએલમાં તેમ જ ઑસ્ટ્રેલિયાની જ બિગ બૅશમાં, ઇંગ્લૅન્ડમાં અને વેસ્ટ ઇન્ડીઝમાં કોચિંગનો અનુભવ છે. ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ સ્પિનર વેટોરી બંગલાદેશની ટીમનો તેમ જ માર્ચમાં પાકિસ્તાનમાં ઑસ્ટ્રેલિયાની વિજેતા ટેસ્ટ સિરીઝ દરમ્યાન સ્પિન બોલિંગ કોચ પણ હતો. તે ૧૧૩માંથી ૧૯ ટેસ્ટ ઑસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. વેટોરીના નવા કરારની શરૂઆત આવતા મહિને શ્રીલંકા ખાતેના પ્રવાસથી થશે.

યુએઈની ટી૨૦ સાથે ઝી ફરી પ્રસારણના ક્ષેત્રે
યુએઈની આગામી ટી૨૦ લીગના જીવંત પ્રસારણ માટે ભારતના ઝી ગ્રુપ સાથે લાંબા ગાળાનો મીડિયા રાઇટ્સ કૉન્ટ્રૅક્ટ કરવામાં આવ્યો છે. એ સાથે ઝીએ સ્પોર્ટ્સના પ્રસારણમાં પુનઃપ્રવેશ કર્યો છે. ૩૪ મૅચવાળી આ ટુર્નામેન્ટની ટીમો જે ઉદ્યોગપતિઓ તથા જાણીતી કંપનીઓએ ખરીદી છે એમાં રિલાયન્સ, અદાણી, કલકત્તા નાઇટ રાઇડર્સ, લૅન્સર કૅપિટલ, જીએમઆર ગ્રુપ અને કૅપ્રી ગ્લોબલ સામેલ છે. 

sports news ab de villiers ipl 2022