હું જીવતો છું, મૃત્યુની અફવાથી મને બહુ દુઃખ થયું : હીથ સ્ટ્રીક

24 August, 2023 03:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વેના કૅન્સર-પીડિત ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે ‘જેણે અફવા સૌથી પહેલાં ઉડાડી તેણે માફી માગવી જોઈએ, કોઈએ પણ આવી અફવા ફેલાવતાં પહેલાં સત્ય વિશે ચોકસાઈ કરવી જોઈએ’

હીથ સ્ટ્રીક ૧૯૯૩થી ૨૦૦૫ દરમ્યાન કુલ ૬૫ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો.

ઝિમ્બાબ્વેનો ભૂતપૂર્વ પેસ બોલર હીથ સ્ટ્રીક થોડા મહિનાથી કૅન્સરની બીમારી સામે સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ ગઈ કાલે સવારથી તેના અવસાનની અફવા ઊડી હતી. ખુદ હીથ સ્ટ્રીકે સાંજે ખુલાસો કર્યો હતો અને એ પહેલાં તેના સાથી-બોલર હેન્રી ઑલોન્ગાએ સવારે જ સ્પષ્ટતા કરી હતી.

હીથ સ્ટ્રીકે અંગ્રેજી ‘મિડ-ડે’ને ગઈ કાલે સાંજે પહેલી સત્તાવાર પ્રતિક્રિયામાં કહ્યું કે ‘મારા અવસાનની માત્ર અફવા છે, નર્યું જુઠ્ઠાણું છે. હું જીવતો છું અને મારી તબિયત સારી છે. હું ખૂબ અપસેટ છું. મને દુઃખ એ વાતનું છે કે કોઈના નિધનના સમાચાર ચોકસાઈ કર્યા વિના આમ કેવી રીતે ફેલાવી શકાય! એ પણ આજના વિકસિત યુગમાં અને સોશ્યલ મીડિયાના જમાનામાં! હું તો કહું છું કે જેણે આ ખોટી ખબર સૌથી પહેલાં વહેતી મૂકી તેણે માફી માગી લેવી જોઈએ. બાકી, મને મારા મૃત્યુની અફવાથી ખૂબ આઘાત લાગ્યો છે.’

હીથ સ્ટ્રીકે ‘મિડ-ડે’ને એવું પણ કહ્યું કે ‘કૅન્સરની બીમારીમાંથી હું હજી સંપૂર્ણપણે સાજો નથી થયો, પણ તબિયતમાં ઘણો સુધારો જરૂર થયો છે. હું બધાને વિનંતી કરું છું કે કોઈના પણ વિશે આવી અફવા ફેલાવતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વક ચોકસાઈ કરો.’

હીથના મૃત્યુની અફવા ગઈ કાલે ઇન્ટરનેટ પર અને સોશ્યલ મીડિયામાં પળવારમાં વાઇરલ થઈ ગઈ હતી.

સ્ટ્રીકે ૪૫૦થી વધુ વિકેટ લીધી છે

ઝિમ્બાબ્વેનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને કૅપ્ટન હીથ સ્ટ્રીક ૪૯ વર્ષનો છે. તે ૧૯૯૩થી ૨૦૦૫ દરમ્યાન ૬૫ ટેસ્ટ રમ્યો હતો, જેમાં તેણે ૧૯૯૦ રન બનાવ્યા હતા અને ૨૧૬ વિકેટ લીધી હતી. તેણે ૧૮૯ વન-ડેમાં ૨૯૪૩ રન બનાવવા ઉપરાંત ૨૩૯ વિકેટ લીધી છે.

ઝિમ્બાબ્વેના કૅપ્ટન શૉન વિલિયમ્સે સ્ટ્રીકના મૃત્યુની અફવા ફેલાવી?

ગઈ કાલે હીથ સ્ટ્રીકના મૃત્યુની અફવા ક્યાંથી ફેલાવાની શરૂ થઈ એ તો સત્તાવાર રીતે નહોતું જણાવાયું, પરંતુ એવું મનાય છે કે ઝિમ્બાબ્વેની નૅશનલ ક્રિકેટ ટીમના કૅપ્ટન શૉન વિલિયમ્સથી અફવાની શરૂઆત થઈ હતી. વિલિયમ્સે ટ‍્વિટર (જેનું નવું નામ એક્સ છે) પર હીથ સ્ટ્રીક વિશે લખ્યું કે ‘સ્ટ્રીકી! તેં અને તારી ફૅમિલીએ મારા માટે અને બીજા ઘણા માટે જેકંઈ કર્યું છે એ હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. તારા જવાથી અમે બધા ભાંગી પડ્યા છીએ. તારા સુંદર પરિવારને આ આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે. તું ક્રિકેટમાં અમને ભવ્ય પરંપરા સોંપી ગયો છે. યુ વિલ બી મિસ્ડ. સ્ટ્રીકી, ઈશ્વર તારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.’ શૉન વિલિયમ્સના આ શોકસંદેશા પછી લગભગ એકાદ કલાક બાદ હેન્રી ઑલોન્ગાએ મીડિયામાંના સ્ટ્રીક વિશેના ખુલાસાનો સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો જે દુનિયાભરમાં વાઇરલ થયો હતો. એમાં ઑલોન્ગાએ લખ્યું હતું કે ‘આપણો લાડલો ભૂતપૂર્વ કૅપ્ટન જીવી રહ્યો છે.’

થર્ડ અમ્પાયરે પાછો બોલાવ્યો : ઑલોન્ગા

હેન્રી ઑલોન્ગાએ સોશ્યલ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે ‘હીથ સ્ટ્રીકના મૃત્યુની માત્ર અફવા ઊડી છે. મેં થોડી વાર પહેલાં તેની સાથે ફોન પર વાત કરી હતી. તેની તબિયત સારી હતી. થર્ડ અમ્પાયરે તેને પાછો બોલાવ્યો છે. દોસ્તો, હીથ જીવંત છે અને તેની તબિયત પણ સારી છે.’

ઝિમ્બાબ્વેનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર હેન્રી ઑલોન્ગા વર્ષોથી ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયો છે. તે સિંગર અને પબ્લિક સ્પીકર તેમ જ આર્ટિસ્ટ છે.

zimbabwe cricket news sports news sports celebrity death