આજે ભારત જીતશે તો હરમનની કૅપ્ટન્સી ટકશે

23 February, 2023 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૉકઆઉટમાં ઑસ્ટ્રેલિયા સામે હારી જવાની પરંપરા તોડવાનો આજની સેમી ફાઇનલમાં હરમનપ્રીત કૌર અને તેની ટીમને સુવર્ણ મોકો ઃ ભારતની સિનિયર મહિલા ટીમ પ્રથમ ટાઇટલથી બે જ ડગલાં દૂર

કૅપ્ટન હરમનપ્રીત (ડાબે) અને વાઇસ-કૅપ્ટન મંધાનાની સૉલિડ ઇનિંગ્સ જિતાડી શકે.

મહિલા ક્રિકેટમાં ભારતીય ટીમે ખાસ કરીને આઇસીસી ઇવેન્ટ્સમાં ૨૦૧૦ના વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં અને ૨૦૨૦ના વિશ્વકપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના હાથે જે પરાજય જોવો પડ્યો એ ઉપરાંત તાજેતરની કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં (ગોલ્ડ મેડલની મૅચમાં) પણ જે કારમી હાર જોવી પડી એનું સાટું હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ આજે વાળવાનું છે. ભારતીય ક્રિકેટમાં એવી ચર્ચા છે કે છેલ્લાં પાંચ વર્ષમાં નૉકઆઉટ મૅચોમાં પરાજિત થનાર ભારતીય ટીમનું સુકાન જાળવી રાખવાનો હરમનપ્રીતને આજે સારો ચાન્સ છે. જો આજે ભારત સેમી ફાઇનલમાં હારી જશે તો આગામી ઇવેન્ટ પહેલાં હરમન પાસેથી કદાચ કૅપ્ટન્સી આંચકી લેવામાં આવશે.
હરમન ૧૭૧* જેવો પરચો દેખાડશે?
કૅપ્ટન્સીના બોજ નીચે હરમનપ્રીતનાં બૅટિંગ પર્ફોર્મન્સ પર પણ વિપરીત અસર પડી હોવાનું જણાયું છે. ઑસ્ટ્રેલિયા સામે હરમન ૨૯ ટી૨૦ રમી છે, જેમાં માત્ર ત્રણ હાફ સેન્ચુરી છે. જોકે ૨૦૧૭માં વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં હરમનપ્રીત (૧૭૧ અણનમ, ૧૧૫ બૉલ, સાત સિક્સર, ૨૦ ફોર) મેગ લેનિંગની જ ઑસ્ટ્રેલિયન ટીમ સામે જે અભૂતપૂર્વ ઇનિંગ્સ રમી હતી અને ભારતને જિતાડ્યું હતું એવો પરચો આજે બતાવશે તો ઑસ્ટ્રેલિયા વધુ એક વાર ફાઇનલથી વંચિત રહી જશે.
મંધાના, શેફાલીની કસોટી
કેપ ટાઉનમાં આજે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની પહેલી સેમી ફાઇનલ છે જેમાં ભારતનો મેગ લેનિંગ ઍન્ડ કંપની સાથે મુકાબલો છે. ઑસ્ટ્રેલિયાની મુખ્ય વિમેન્સ ટીમ ટી૨૦ના પાંચ અને વન-ડેનો એક એમ કુલ છ વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે, જ્યારે ભારતની ટીમ હજી સુધી એકેય આઇસીસી ઇવેન્ટ જીત્યું નથી એનું મુખ્ય કારણ ઑસ્ટ્રેલિયા સામેની નિષ્ફળતા જ છે. જોકે આજે સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, રેણુકાસિંહ ઠાકુર વગેરે ખેલાડીઓને ઑસ્ટ્રેલિયન ટીમના વર્ચસનો અંત લાવવાની બહુ સારી તક છે.
ઇંગ્લૅન્ડના બે વિક્રમ
બીજી સેમી ફાઇનલ શુક્રવારે (સાંજે ૬.૩૦ વાગ્યાથી) ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. મંગળવારે બંગલાદેશ (૧૧૩/૬)ને સાઉથ આફ્રિકા (૧૧૭/૦)એ ૧૩ બૉલ બાકી રાખીને ૧૦ વિકેટે હરાવી દેતાં ન્યુ ઝીલૅન્ડ સેમી ફાઇનલની રેસની બહાર થઈ ગયું હતું. ઇંગ્લૅન્ડે (૨૧૩/૫) પાકિસ્તાન (૯૯/૯)ને ૧૧૪ રનના વિક્રમી માર્જિન સાથે હરાવી સેમીમાં પ્રવેશ મેળવ્યો હતો. ઇંગ્લૅન્ડે ૨૧૩/૫ના સ્કોર સાથે વિમેન્સ ટી૨૦માં સાઉથ આફ્રિકાનો ૧૯૫/૩નો વિશ્વવિક્રમ તોડ્યો હતો. બ્રિટિશ ટીમે ૧૧૪ રનના જીતના માર્જિન સાથે સાઉથ આફ્રિકાનો ૧૧૩ રનના તફાવતનો વર્લ્ડ રેકૉર્ડ પણ તોડી નાખ્યો હતો.

વર્લ્ડ કપ સેમી ફાઇનલ પહેલાંની બન્ને દેશની ટીમ
ભારત ઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, યસ્તિકા ભાટિયા, હર્લીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકે વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ અને શિખા પાન્ડે.
ઑસ્ટ્રેલિયા ઃ મેગ લેનિંગ (કૅપ્ટન), અલીઝા હીલી (વિકેટકીપર), ડાર્સી બ્રાઉન, ઍશલેઇ ગાર્ડનર, કિમ ગાર્થ, હીધર ગ્રેહામ, ગ્રેસ હૅરિસ, જેસ જોનસન, અલાના કિંગ, તાહલિઆ મૅક્ગ્રા, બેથ મૂની, એલીસ પેરી, મેગન શટ, ઍનાબેલ સધરલૅન્ડ અને જ્યોર્જિયા વેરહૅમ.

 

ભારત જેવી સ્ટ્રૉન્ગ ટીમ સામે ભૂતકાળનાં પરિણામો નજરમાં રાખીને રમવાનો કોઈ મતલબ નથી એટલે અમે તેમની સામે માનસિક રીતે વધુ પ્રબળ છીએ એવું વિચારીને નહીં રમીએ. બસ, અમારું બેસ્ટ પર્ફોર્મ કરીશું.


મેગ લેનિંગ, (ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન)

sports news cricket news indian womens hockey team world cup