ગુજરાતને હરાવીને પ્લેઑફમાં સ્થાન મેળવવાની યુપીને તક

20 March, 2023 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લી બે મૅચો પૈકીની એક પણ જીતી જાય તો અલીઝા હીલીની વૉરિયર્સ ટીમ ત્રીજા ક્રમાંકે પહોંચી શકે છે, પણ ગુજરાત જાયન્ટ્સની ટીમ માટે ઘણા બધા પડકાર

સોફી એક્લસ્ટન અને ઍશ ગાર્ડનર

વિમેન્સ પ્રીમિયર લીગની પ્લેઑફમાં પહોંચવા માટેની રેસમાં ગુજરાતની ટીમ છે, પરંતુ પૉઇન્ટ ટેબલમાં ખરાબ રનરેટને કારણે એ ટીમ સૌથી નીચે છે એને કારણે ટૉપ-3માં પહોંચવાની એની શક્યતા બહુ ઓછી છે. આજે એની છેલ્લી લીગ મૅચ છે. જો ગુજરાતની ટીમ ૧૬૦ રનનો સ્કોર કરે અને યુપીને ૧૦૦ રનથી હરાવી દે છતાં યુપીની ટીમ દિલ્હી સામે ૧૧૨ રનથી હારી જાય તો ગુજરાત નેટ રનરેટમાં આગળ વધી શકે. એટલું જ નહીં, બૅન્ગલોરની ટીમ મુંબઈ સામેની છેલ્લી મૅચમાં હારવી જોઈએ. એથી હવે ત્રીજા નંબર માટે સૌથી વધુ ધ્યાન યુપી પર છે. એ એકમાત્ર ટીમ હતી જેણે મુંબઈને હરાવ્યું હતું. યુપી માટે પોતાની છેલ્લી બે મૅચ પૈકી કોઈ એક મૅચ જીતી જાય તો એ પ્લેઑફમાં પહોંચી શકે. વળી જો તે બે મૅચ હારી જાય તો પણ વધુ માર્જિનથી હારેલી ન હોવી જોઈએ, જોકે આવી સ્થિતિ યુપી આવવા નહીં દે. 

સ્પિનરો માટે મદદગાર

બ્રેબર્ન અને ડી. વાય. પાટીલ સ્ટેડિયમની પિચો સ્પિનર્સ માટે મદદગાર સાબિત થઈ છે, વળી યુપી પાસે ઘણા સ્પિનર્સ છે. મુંબઈ સામે ૨૦ પૈકી ૧૮ ઓવર સ્પિનરોએ જ કરી હતી. આજે બ્રેબર્ન સ્ટેડિયમમાં ગુજરાત એવી આશા રાખે છે કે એણે જે પ્રમાણે દિલ્હી સામે ઓછા સ્કોરને પણ ડિફેન્ડ કર્યો હતો અથવા શનિવારની જેમ સારો સ્કોર બનાવ્યો હતો. 

સોફી અને ઍશની ટક્કર

ગુજરાતની ઍશ ગાર્ડનરે બૅટ અને બૉલ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એક ફિનિશર તેમ જ નિયમિત વિકેટ લેનાર બોલર તરીકે પોતાની છાપ પાડી છે. તે બીજા ક્રમાંકની હાઇએસ્ટ સ્કોરર અને સંયુક્તપણે હાઇએસ્ટ વિકેટ-ટેકર છે. આજની મૅચ તેની છેલ્લી હોઈ શકે અને એમાં તે સારી છાપ છોડવા માગશે. યુપીની સોફી એક્લસ્ટન પણ ​વિકેટ સાથે વિમેન્સ પ્રીમિયર લીગમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. વળી તે એક સારી લોઅર ડાઉન બૅટર પણ છે અને મુંબઈ સામે તેણે મૅચ વિનિંગ સિક્સર પણ ફટકારી હતી.

sports news sports cricket news womens premier league