દીકરી જીતી એટલે મમ્મીએ કૅન્સરને હરાવી દેવાનો સંકલ્પ જ કરી લીધો!

17 March, 2023 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરની મૅચ-વિનર કનિકા આહુજાની મમ્મીએ કીમો થેરપી માટે જતાં પહેલાં પતિને કહ્યું, ‘હું સારી થઈ જઈશ, મારે કનિકાની બૅટિંગ સ્ટેડિયમમાં જઈને જોવી છે’

કનિકા આહુજાએ જોરદાર ફટકાબાજીથી બૅન્ગલોરને પ્રથમ વિજય અપાવ્યો હતો.

બુધવારે રાતે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વિમેન ટીમને એની ઑલરાઉન્ડર કનિકા આહુજા નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ડબ્લ્યુપીએલની મૅચમાં જોરદાર ફટકાબાજીથી જિતાડી રહી હતી ત્યારે પંજાબના પટિયાલામાં તેનું ઘર તેના પરિવારજનો તેમ જ મિત્રો અને આડોશી-પાડોશીઓથી ભરેલું હતું અને તેઓ બધા કનિકાની યાદગાર બૅટિંગ માણી રહ્યા હતા. કનિકાની મૅચ-વિનિંગ ઇનિંગ્સની સૌથી વધુ ખુશી તેનાં કૅન્સરગ્રસ્ત મમ્મી સીમા રાનીને હતી.

બૅન્ગલોરે ૩૫ લાખમાં મેળવી છે

યુપી વૉરિયર્ઝની બે બૅટરના કૅચ પકડ્યા પછી મિડલ-ઑર્ડર બૅટિંગમાં જવાબદારી ઉપાડીને ૪૫ મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહીને ૩૦ બૉલમાં એક સિક્સર તથા આઠ ફોરની મદદથી ૪૬ રન બનાવનાર કનિકાને ટુર્નામેન્ટ પહેલાંના ઑક્શનમાં બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝીએ ૧૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે ૩૫ લાખ રૂપિયામાં મેળવી હતી.

મમ્મીની બે કૅન્સર સામે લડત

બુધવારની પ્લેયર ઑફ ધ મૅચ કનિકા આહુજાની મમ્મી સીમા રાનીને બ્રેસ્ટ અને બોન કૅન્સર છે. બુધવારે તેમણે પુત્રી કનિકાની નવી મુંબઈમાંની આતશબાજીને પટિયાલામાં પોતાના ઘરમાં બધા સાથે ટીવી પર ભરપૂર માણી અને ગઈ કાલે સવારે તે પતિ સાથે પટિયાલાની હૉસ્પિટલમાં કીમો થેરપી માટે ગઈ હતી. કનિકાના પપ્પા સુરિન્દર આહુજા હૅન્ડલૂમના બિઝનેસમાં છે. તેઓ પત્ની સીમા રાનીને ગઈ કાલે સવારે ઘરથી ૬૦ કિલોમીટર દૂર સંગરુરની હૉસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે મુસાફરી દરમ્યાન તેઓ (કનિકાની મમ્મી) દીકરીની બૅટિંગની જ વાત કરી રહ્યાં હતાં. સુરિન્દરે એક મુલાકાતમાં કહ્યું કે ‘આખી મુસાફરી દરમ્યાન સીમાની આંખોમાં મેં સતત આંસુ જોયાં હતાં. જોકે હકીકતમાં તે બહુ ખુશ હતી. એ હર્ષનાં આંસુ હતાં, કારણ કે તેણે લાંબા પ્રવાસ દરમ્યાન કનિકાની બૅટિંગની જ વાતો કરી હતી અને ક્યારેક બાળકની જેમ હસી પડતી હતી. અમે હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે સીમાએ મને કહ્યું કે ‘મૈં ઠીક હો જાઉંગી, મુઝે કનિકા કો સ્ટેડિયમ મેં ખેલતે દેખના હૈ.’

વિરાટ સાથેની મીટિંગની વાત કરી

સુરિન્દર આહુજાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘કનિકાના પર્ફોર્મન્સથી હું ખૂબ ખુશ થયો છું એટલે લાગણીઓને છુપાવી નથી શકતો, પરંતુ પત્ની સીમા કૅન્સરથી પીડાઈ રહી છે એ મારાથી જોવાતું નથી. મારે મારી લાગણીઓને ખૂબ સંયમમાં રાખવી પડે છે. સીમા સાથે વાત કરું ત્યારે કનિકાની આશાસ્પદ ક્રિકેટ-કરીઅર પર જ ભાર આપું જેથી તેને સાંભળવાનું ખૂબ ગમે અને કનિકા સાથે ફોન પર વાત કરું ત્યારે તેની મમ્મીની બીમારી વિશે કંઈ જ ન બોલું. પત્ની સીમાને હું વારંવાર કહું છું કે આપણી દીકરી દેશની ટોચની ક્રિકેટર સ્મૃતિ મંધાનાની ટીમમાં છે અને એ ટીમમાં એલીસ પેરી જેવી જાણીતી પ્લેયર્સ પણ છે. કનિકા બુધવારે વિરાટ કોહલીને મળી એ મુલાકાતની ઘણી વાતો પણ મેં સીમા સાથે કરી. તે બહુ ખુશ થઈ હતી.’

sports news sports cricket news womens premier league royal challengers bangalore