૩૪ વર્ષ બાદ કૅરિબિયનો પાકિસ્તાન સામે વન-ડે સિરીઝ જીત્યા

14 August, 2025 10:10 AM IST  |  Trinidad | Gujarati Mid-day Correspondent

રિઝવાન ઍન્ડ કંપની માત્ર ૯૨ રનમાં આૅલઆઉટ : ૨૦૨ રનથી ભૂંડી હાર : પાંચ ખેલાડીઓ ખાતું પણ ન ખોલાવી શક્યા

આખરે સિરીઝ-જીત મળી : ટ્રોફી સાથે સેલિબ્રેટ કરી રહેલી કૅરેબિયન ટીમ.

પાકિસ્તાન ક્રિકેટ ટીમે ગઈ કાલે વધુ એક નામોશી જોવી પડી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં એ માત્ર ૯૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને ૨૦૨ રનથી નામોશીભરી હાર સાથે સિરીઝ પણ ૧-૨થી ગુમાવી દીધી હતી. ૧૯૯૧ બાદ એટલે કે ૩૪ વર્ષ બાદ વેસ્ટ ઇન્ડીઝ સામે પાકિસ્તાનને વન-ડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.

લેજન્ડ્સ સાથેની મીટિંગ ફળી

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ ક્રિકેટરોનાં સલાહ-સૂચન લેવા માટે બે દિવસીય મીટિંગનું આયોજન કર્યું હતું જેમાં બ્રાયન લારા, ક્લાઇવ લૉઇડ, વિવિયન રિચર્ડ્સ જેવા લેજન્ડ સાથે હાલ ટીમના હેડ કોચ ડૅરેન સૅમી અને કૅપ્ટન શાઇ હોપ પણ સામેલ હતા. લેજન્ડ ખેલાડીઓના પ્રોત્સાહનથી પ્રેરિત થઈને શાઇ હોપ મંગળવારે ૯૪ બૉલમાં પાંચ સિક્સર અને ૧૦ ફોર સાથે અણનમ ૧૨૦ રન ફટકારીને ટીમને ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૯૪ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી દોરી ગયો હતો.

સીલ્સની સિક્સર

૨૯૫ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાને બન્ને ઓપનરો અને કૅપ્ટન મોહમ્મદ રિઝવાનને ૨.૫ ઓવરમાં જ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. આખી ટીમ ૨૯.૨ ઓવરમાં માત્ર ૯૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. કૅરેબિયન બોલર જેડન સીલ્સ ૭.૨ ઓવરમાં માત્ર ૧૮ રન આપીને ૬ વિકેટ ઝડપીને છવાઈ ગયો હતો.

આખી પાકિસ્તાન ટીમ (૯૨ રન) વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન હોપના (૧૨૦ રન) જેટલા રન પણ નહોતી બનાવી શકી.

૨૦૨ રનથી હાર એ પાકિસ્તાનની વન-ડેમાં એની ચોથા ક્રમાંકની મોટી હાર બની ગઈ હતી. બીજા ત્રણ પરાજયમાં ૨૦૦૯માં શ્રીલંકા સામે ૨૩૪ રન, ૨૦૨૩માં ભારત સામે ૨૨૮ અને ૨૦૦૨માં ઑસ્ટ્રેલિયા સામે ૨૨૪ રનના પરાજયનો સમાવેશ છે.

west indies pakistan cricket news sports news sports test cricket trinidad and tobago