18 July, 2024 09:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બ્રાયન લારા
ક્રિકેટના ઇતિહાસમાં ઘણા એવા રેકૉર્ડ છે જેને તોડવા ખૂબ મુશ્કેલ છે. આમાં બ્રાયન લારાના નામે એક જ ટેસ્ટ-ઇનિંગ્સમાં ૪૦૦ રન બનાવવાનો રેકૉર્ડ છે. એ ૨૦ વર્ષથી અનબ્રેકેબલ રહ્યો છે. જ્યારે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન લારાને પૂછવામાં આવ્યું કે યુવા ખેલાડીઓમાંથી કોણ તેનો રેકૉર્ડ તોડી શકે છે તો તેણે ચાર નામ આપ્યાં. ૨૦૦૪માં લારા સેન્ટ જૉન્સ ખાતે ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટમાં ૪૦૦ રન બનાવનાર પ્રથમ ટેસ્ટ બૅટ્સમૅન બન્યો હતો.
તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા સમયમાં એવા ખેલાડીઓ હતા જેમણે પડકાર આપ્યો હતો અથવા ઓછામાં ઓછો ૩૦૦નો આંકડો પાર કર્યો હતો - વીરેન્દર સેહવાગ, ક્રિસ ગેઇલ, ઇન્ઝમામ-ઉલ-હક, સનથ જયસૂર્યા. તેઓ ખૂબ જ આક્રમક ખેલાડી હતા. આજે કેટલા આક્રમક ખેલાડીઓ રમી રહ્યા છે? મને લાગે છે કે ઇંગ્લૅન્ડની ટીમનો જૅક ક્રૉલી અને હૅરી બ્રુક તથા ભારતીય ટીમમાંથી કદાચ યશસ્વી જાયસવાલ અને શુભમન ગિલને યોગ્ય પરિસ્થિતિ મળશે તો આ રેકૉર્ડ તોડી શકે છે.