08 July, 2023 03:27 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૅન્ગલોરમાં ચાર-દિવસીય દુલીપ ટ્રોફી સેમી ફાઇનલમાં ગઈ કાલે ત્રીજા દિવસે ચેતેશ્વર પુજારા (૧૩૩ રન, ૨૭૮ બૉલ, ૧ સિક્સર, ૧૪ ફોર)એ ફર્સ્ટ-ક્લાસ કરીઅરની ૬૦મી સદી ફટકારીને વેસ્ટ ઝોનને સેન્ટ્રલ ઝોન સામે વિજયની દિશામાં આગળ વધાર્યું હતું. પહેલા દાવમાં માત્ર ૨૮ રન બનાવી શકનાર પુજારા ગઈ કાલે ૯૨મી ઓવરના છેલ્લા બૉલે રનઆઉટ થયો હતો અને તેની વિકેટ સાથે રમતનો અંત આવી ગયો હતો.
પ્રથમ દાવમાં ૯૨ રનની લીડ લેનાર વેસ્ટ ઝોને ગઈ કાલે સેકન્ડ ઇનિંગ્સમાં ૯ વિકેટે ૨૯૨ રન બનાવ્યા હતા અને લીડ સહિત એના કુલ ૩૮૪ રન હતા અને એક વિકેટ પડવાની બાકી હતી. ગુરુવારે વનડાઉન પુજારા પછી રમવા આવેલા સૂર્યકુમાર યાદવે બાવન રન બનાવ્યા હતા. સેન્ટ્રલના સૌરભ કુમારે ચાર અને સારાંશ જૈને ત્રણ વિકેટ લીધી હતી. સેન્ટ્રલ આજે ૪૦૦ રનની આસપાસના લક્ષ્યાંક સામે હારી શકે.
બૅન્ગલોરના જ અલગ મેદાન પરની બીજી સેમી ફાઇનલમાં ત્રીજા દિવસે નૉર્થ ઝોન સામે સાઉથ ઝોને ૨૧૫ રન સામે વિના વિકેટે ૨૧ રન બનાવ્યા હતા અને જીતવા માટે વધુ ૧૯૪ રન બાકી હતા. એ પહેલાં, નૉર્થ ઝોનની ટીમ બીજા દાવમાં (આઇપીએલમાં બૅન્ગલોર વતી રમી ચૂકેલા) સાઉથ ઝોનના પેસ બોલર વિજયકુમાર વૈશાકની પાંચ વિકેટને કારણે ૨૧૧ રને ઑલઆઉટ થઈ ગઈ હતી, જેમાં પંજાબ કિંગ્સ વતી રમી ચૂકેલા વિકેટકીપર પ્રભસિમરન સિંહના ૬૩ રન હતા.