20 February, 2026 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી
અમદાવાદમાં નેધરલૅન્ડ્સ સામે T20 વર્લ્ડ કપની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ જીત્યા બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ મૅચની જાહેરાત કરવામાં આવી હતી. સ્પિનર વરુણ ચક્રવર્તીએ આ મૅચમાં ૩ ઓવરમાં ૧૪ રન આપીને ૩ વિકેટ લેવા બદલ ઇમ્પૅક્ટ પ્લેયરનો મેડલ જીત્યો હતો. તેરમી ઓવરના પહેલા બન્ને બૉલ પર વિકેટ લીધા બાદ તે હૅટ-ટ્રિક વિકેટ ચૂકી ગયો હતો. ડ્રેસિંગ રૂમમાં મેડલ જીત્યા બાદ વરુણ ચક્રવર્તીને કૅપ્ટન સૂર્યાએ હિન્દીમાં સ્પીચ આપવાની ચૅલેન્જ આપી હતી. જોકે તામિલનાડુનો આ સ્પિનર બે વાક્યની સ્પીચ આપી શક્યો. પહેલું વાક્ય હિન્દીમાં માંડ-માંડ બોલ્યા બાદ તેણે ઇંગ્લિશમાં જ સ્પીચ પૂરી કરી હતી. તેણે કહ્યું હતું કે ‘અસલી ટુર્નામેન્ટ નેક્સ્ટ મૅચ સે ચાલુ હો રહા હૈ તો ઉસકે લિએ રેડી હોના હૈ. ઍન્ડ ડૉગ-ફાઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ.’
૨૦૨૧માં વરુણ ચક્રવર્તીએ જ્યારે T20 વર્લ્ડ કપ ડેબ્યુ કર્યું ત્યારે તેનું T20 ICC રૅન્કિંગ ૧૫૧નું હતું. ત્યાર બાદની બે T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સ્થાન ન મેળવી શકનાર વરુણ ચક્રવર્તી હાલમાં T20 ICC રૅન્કિગ્સમાં નંબર વન બોલર છે.