અન્ડર-19 વર્લ્ડ કપ પહેલાં સાઉથ આફ્રિકા ટૂર પર વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે

28 December, 2025 11:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન આયુષ મ્હાત્રે અને વાઇસ-કૅપ્ટન વિહાન મલ્હોત્રાની ઇન્જરીને કારણે મળી કૅપ્ટન્સીની તક

વૈભવ સૂર્યવંશી

ક્રિકેટ બોર્ડે આગામી વન-ડે અન્ડર-19 વર્લ્ડ કપ 2026 માટે ૧૫ સભ્યોની ભારતીય સ્ક્વૉડ જાહેર કરી છે. ૨૦૨૬ની ૧૫ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી વચ્ચે આયોજિત આ ટુર્નામેન્ટ માટે મુંબઈનો આયુષ મ્હાત્રે કૅપ્ટન અને પટિયાલાનો વિહાન મલ્હોત્રા વાઇસ-કૅપ્ટન નિયુક્ત થયો છે. નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં આયોજિત વર્લ્ડ કપની તૈયારી માટે ભારત સાઉથ આફ્રિકાની ટૂર પણ કરશે જેમાં ૧૪ વર્ષનો ધુરંધર બૅટર વૈભવ સૂર્યવંશી ટીમની કમાન સંભાળશે. 
સાઉથ આફ્રિકામાં ૩થી ૭ જાન્યુઆરી દરમ્યાન આયોજિત ૩ વન-ડે મૅચની સિરીઝમાં હાથના કાંડાની ઇન્જરીને કારણે આયુષ મ્હાત્રે અને વિહાન મલ્હોત્રા આરામ કરશે અને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટનની ગેરહાજરીને કારણે પાવરહિટર વૈભવ સૂર્યવંશીને કૅપ્ટન્સીની તક મળી છે. ઍરોન જ્યૉર્જ સાઉથ આફ્રિકા ટૂર પર વાઇસ-કૅપ્ટનની ભૂમિકા ભજવશે. છેલ્લે ભારતની અન્ડર-19 ટીમ એશિયા કપ રમવા ઊતરી હતી જ્યાં ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 
અન્ડર-19 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમ : આયુષ મ્હાત્રે (કૅપ્ટન), વિહાન મલ્હોત્રા (વાઇસ-કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, ઍરોન જ્યૉર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આર. એસ. અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, મોહમ્મદ ઇનાન, હેનિલ પટેલ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહન, દીપેશ દેવેન્દ્રન.

vaibhav suryavanshi under 19 cricket world cup indian cricket team cricket news sports news sports