30 April, 2025 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેયર ઑફ ધ મૅચ સહિતના અવૉર્ડ સાથે સ્પેશ્યલ ફોટોશૂટ કરાવ્યું વૈભવ સૂર્યવંશીએ
પિન્ક સિટી જયપુરમાં રાજસ્થાન રૉયલ્સે ઓપનર વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ગુજરાત ટાઇટન્સ સામે આઠ વિકેટે જીત નોંધાવી હતી. ૧૦૧ રનની ઇનિંગ્સ રમનાર વૈભવ સૂર્યવંશી પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ વિજેતા બન્યો હતો. તે IPLમાં આ અવૉર્ડ જીતનાર ૧૪ વર્ષ ૩૨ દિવસની ઉંમરે યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. તેણે આ મામલે અફઘાની ક્રિકેટર મુજીબ-ઉર-રહેમાનનો ૨૦૧૮નો રેકૉર્ડ તોડ્યો હતો જેમાં તે પંજાબ કિંગ્સ તરફથી રમતાં ૧૭ વર્ષ ૩૯ દિવસની ઉંમરે રાજસ્થાન રૉયલ્સ સામે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.
વૈભવે ૧૦૧ રનની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા અને ૧૧ છગ્ગા ફટકાર્યા હતા. તેણે દોડીને માત્ર સાત રન કર્યા હતા, જ્યારે બાકીના ૯૪ રન બાઉન્ડરીથી આવ્યા હતા. મેન્સ T20માં તેણે સેન્ચુરી ઇનિંગ્સમાં હાઇએસ્ટ ૯૩.૦૬ બાઉન્ડરી ટકાવારીનો રેકૉર્ડ કર્યો હતો. આ પહેલાં ભારતના ઓપનિંગ બૅટર અભિષેક શર્માએ ૨૦૨૪માં મેઘાલય સામે પંજાબ તરફથી રમતાં ૯૨.૪૫ ટકા સાથે આ રેકૉર્ડ કર્યો હતો.
૧૯ એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે IPL ડેબ્યુ કર્યા બાદ તેણે પહેલી બે ઇનિંગ્સમાં ૩૪ અને ૧૬ રન બનાવ્યા હતા, પણ ત્રીજી જ મૅચમાં ગુજરાત સામે આવી ઇનિંગ્સ રમી તે આ ટુર્નામેન્ટમાં સૌથી ઓછી ઇનિંગ્સ રમીને પહેલી સેન્ચુરી કરનાર ભારતીય બની ગયો છે. ૧૭ બૉલમાં ફિફ્ટી અને ૩૫ બૉલમાં સેન્ચુરી ફટકારીને તે T20 ક્રિકેટમાં ફિફ્ટી-સેન્ચુરી કરનાર યંગેસ્ટ પ્લેયર પણ બન્યો છે. તે IPLમાં અગિયાર ઓવરની અંદર સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ભારતીય પણ છે. 10- વૈભવ માટે આટલા લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી બિહાર સરકારે.