23 May, 2025 11:06 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
સિરીઝ જીતની ઉજવણી કરતા UAE ટીમના પ્લેયર્સ.
બુધવારે રાત્રે બંગલાદેશ સામે ત્રણ મૅચની T20ની સિરીઝમાં ૨-૧થી જીત મેળવીને યુનાઇટેડ આરબ એમિરેટ્સે (UAE) ઇતિહાસ રચ્યો છે. બંગલાદેશ સામે પહેલી મૅચમાં ૨૭ રને હારનાર યજમાન ટીમે બીજી મૅચમાં બે વિકેટે અને ત્રીજી મૅચમાં સાત વિકેટે જીત નોંધાવી હતી. બંગલાદેશ સામે UAEએ પહેલી વાર કોઈ ઇન્ટરનૅશનલ સિરીઝ જીતી છે, જ્યારે ટેસ્ટ-પ્લેઇંગ નેશન એટલે કે ફુલ-મેમ્બર ટીમ સામે તેમણે પહેલી જ વાર T20 સિરીઝ જીતી છે.
બંગલાદેશે આ સિરીઝમાં હાર્યા બાદ એક અનિચ્છનીય રેકૉર્ડ બનાવ્યો છે. બે અસોસિએટ ટીમ સામે દ્વિપક્ષીય સિરીઝ હારનાર પહેલી ફુલ-મેમ્બર ટીમ બની છે. UAE પહેલાં અમેરિકા સામે પણ ૨૦૨૪માં ૧-૨થી T20 સિરીઝ હારી હતી.
બંગલાદેશનું પાકિસ્તાન-ટૂરનું શેડ્યુલ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ અને પાકિસ્તાન સુપર લીગના નવા શેડ્યુલના કારણે બંગલાદેશના પાકિસ્તાન-ટૂરમાં ફેરફાર થયા છે. તેઓ હવે પાકિસ્તાનમાં પાંચને બદલે ત્રણ મૅચની T20 સિરીઝ રમશે. ૨૮ મેથી ૧ જૂન વચ્ચે આ ત્રણેય T20 મૅચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.