UAEએ પહેલી વાર ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરીને બંગલાદેશ સામે પહેલવહેલી જીત મેળવી

21 May, 2025 09:01 AM IST  |  Sharjah | Gujarati Mid-day Correspondent

T20 મૅચમાં ફુલ-મેમ્બર ટીમ સામે ૨૦૦નો ટાર્ગેટ ચેઝ કરનાર પહેલી અસોસિએટ ટીમ પણ બની UAE

બંગલાદેશ સામે પહેલવહેલી જીતની ઉજવણી કરતા UAEના પ્લેયર્સ

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની ટીમે સોમવારે રાત્રે બંગલાદેશ સામે બીજી T20માં બે વિકેટે જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો છે. નવા કૅપ્ટન લિટન દાસના નેતૃત્વમાં બંગલાદેશે પાંચ વિકેટ ગુમાવીને ૨૦૫ રન બનાવ્યા હતા, યજમાન ટીમ UAEએ ૧૯.૫ ઓવરમાં ૮ વિકેટે ૨૦૬ રન બનાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

UAEએ પહેલી ચારેય મૅચ હાર્યા બાદ T20 ફૉર્મેટમાં પહેલી વાર બંગલાદેશને માત આપી છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આ હરીફ ટીમ સામે UAEની પહેલી જ જીત છે. T20 ક્રિકેટમાં UAEએ પહેલી વાર ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ પણ ચેઝ કરી બતાવ્યો હતો. સાથે જ એક અસોસિએટ ટીમ તરીકે એક ફુલ-મેમ્બર ટીમ સામે ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરવાની ઘટના પણ પહેલી વાર બની હતી. 

T20 સિરીઝમાં વધુ એક મૅચ ઉમેરવામાં આવી

૧૭ મેએ પહેલી મૅચમાં બંગલાદેશે ૨૭ રને જીત મેળવી હતી. હવે બન્ને દેશ વચ્ચેની બે મૅચની T20 સિરીઝ ૧-૧થી ટાઇ થઈ છે, પણ બંગલાદેશની પાકિસ્તાન-ટૂર લંબાઈ હોવાથી બંગલાદેશે UAE સાથે મળીને આ સિરીઝમાં વધુ એક મૅચ ઉમેરી છે જે આજે ૨૧ મેએ શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ રમાશે. આજે UAE પાસે બંગલાદેશ સામે પહેલી ઇન્ટરનૅશનલ સિરીઝ જીતવાની પણ તક રહેશે.

જાણવા જેવું

ફુલ-મેમ્બર ટીમ એટલે ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટ રમતી ટીમ.

અસોસિએટ ટીમ એટલે ટેસ્ટ-ક્રિકેટ સિવાયનાં ફૉર્મેટ રમતી ટીમ.

united arab emirates bangladesh sharjah dubai cricket news sports sports news