ભારત સતત પાંચમી ફાઇનલમાં, રોમાંચક મૅચમાં સાઉથ આફ્રિકાને બે વિકેટે હરાવ્યું

07 February, 2024 06:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલની શક્યતા

વિનિંગ પાર્ટનરશિપ ઉદય સહારન અને સચિન ધસ વચ્ચે થઈ હતી.

અન્ડર-19 વર્લ્ડ કપની રોમાંચક સેમી ફાઇનલ મૅચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં સાઉથ આફ્રિકાને બે વિકેટે મહાત આપી સતત પાંચમી વાર અને કુલ નવમી વાર ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારત પાંચ વખત ચૅમ્પિયન બન્યું છે અને ત્રણ વખત ફાઇનલમાં હાર્યું છે. ફાઇનલ મૅચ ૧૧ ફેબ્રુઆરીએ રમાશે. ત્યાં ટીમ ઇન્ડિયાનો સામનો ઑસ્ટ્રેલિયા અથવા પાકિસ્તાન સાથે થઈ શકે છે.
સેમી ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ભારતને ૨૪૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમે ૫૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૨૪૪ રન બનાવ્યા હતા, જેમાં વિકેટકીપર લુઆન ડ્રાય પ્રિટોરિયસે ૭૬ રન બનાવ્યા હતા. તેના સિવાય રિચર્ડે ૬૪ રન બનાવ્યા હતા.

જવાબમાં ભારતે ૭ બૉલ બાકી રાખીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની અન્ડર-19 ટીમે આ મૅચ બે વિકેટે જીતી લીધી છે.આ મૅચમાં ભારત માટે કૅપ્ટન ઉદય સહારન શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. ૩૨ રનમાં ૪ વિકેટ પડી ગયા બાદ તેણે સચિન ધસ સાથે ૧૭૧ રનની ભાગીદારી કરી હતી. સચિન ૯૬ રન બનાવીને કૅચઆઉટ થયો હતો. પૅવિલિયન પાછા ફરતાં પહેલાં કૅપ્ટન ઉદય સહારને ટીમને જીતના ઉંબરે પહોંચાડી દીધી હતી. અંતે રાજ લીંબાણીએ ચોગ્ગો ફટકારીને મૅચનો અંત આણ્યો હતો.

કૅપ્ટન ઉદય સેમી ફાઇનલમાં મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. ૮ ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બીજી સેમી ફાઇનલ મૅચ રમાશે. ફાઇનલમાં હાઈ-વૉલ્ટેજ ડ્રામા જોવા માટે ફૅન્સ બીજી સેમી ફાઇનલમાં પાકિસ્તાનની જીતની આશા રાખશે.

હાઇએસ્ટ પાર્ટનરશિપ
ઉદય સહારન અને સચિન ધસ વચ્ચે ૧૭૧ રનની પાર્ટનરશિપ થઈ હતી, જે અન્ડર-19 ટીમ માટે પાંચમી વિકેટની સૌથી મોટી પાર્ટનરશિપ છે. તેમણે પાંચમી વિકેટ માટે સરફરાઝ ખાન-રિકી વચ્ચેની ૧૫૯ રનની અને શમીમ હુસેન-તૌહીદ હરીદી વચ્ચેની ૧૬૧ રનની પાર્ટનરશિપનો રેકૉર્ડ તોડ્યો હતો. મહત્ત્વનું છે કે ભારતની એક સમયે ૩૨ રનમાં ૪ વિકેટ પડી ગઈ હતી, પરંતુ મુશ્કેલ સમયે સચિન અને સુકાની ઉદયે ભારતને રોમાંચક જીત અપાવી હતી.

ફરી ચોકર્સ સાબિત થઈ સાઉથ આફ્રિકાની ટીમ, મેદાન પર રડ્યા ખેલાડીઓ
સાઉથ આફ્રિકાની સિનિયર ક્રિકેટ-ટીમને ચોકર્સ કહેવામાં આવે છે, કારણ કે આઇસીસીની મોટી ટુર્નામેન્ટની મહત્ત્વપૂર્ણ મૅચમાં આ ટીમને કારમી હારનો સામનો કરવો પડે છે. એબી ડિવિલિયર્સ સહિતના દિગ્ગજ સાઉથ આફ્રિકન ખેલાડી ઘણી વાર મેદાન પર રડતા જોવા મળ્યા છે. ભારત સામે હાર્યા બાદ અન્ડર-19 સાઉથ આફ્રિકન ટીમના ખેલાડીઓ પણ રડતા જોવા મળ્યા હતા.

કચ્છી માડુ લીંબાણીએ બૉલ પછી બૅટથી પણ કમાલ કરી 


કચ્છી માડુ રાજ લીંબાણીએ ગઈ કાલે સેમી ફાઇનલમાં અણીના સમયે સિક્સ મારીને ભારતનો ફાઇનલનો માર્ગ મોકળો તો કર્યો પણ તેણે અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં કુલ ૯ વિકેટ લીધી છે. તેણે સાઉથ આફ્રિકા સામે ૬૦ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. 

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન
૧૯૮૮ -  ગ્રુપ સ્ટેજ
૧૯૯૮ -  સેકન્ડ રાઉન્ડ
૨૦૦૦ - ચૅમ્પિયન
૨૦૦૨ - સેમી ફાઇનલ
૨૦૦૪ - સેમી ફાઇનલ
૨૦૦૬ - રનર-અપ
૨૦૦૮ - ચૅમ્પિયન
૨૦૧૦ - ક્વૉર્ટર ફાઇનલ
૨૦૧૨ - ચૅમ્પિયન
૨૦૧૪ - ક્વૉર્ટર ફાઇનલ
૨૦૧૬ - રનર-અપ
૨૦૧૮ - ચૅમ્પિયન
૨૦૨૦ - રનર-અપ
૨૦૨૨ - ચૅમ્પિયન
૨૦૨૪ - ફાઇનલમાં પ્રવેશ*

sports news sports cricket news indian cricket team under 19 cricket world cup