ઉમેશ યાદવે જે મિત્રને નોકરી આપી તેણે ૪૪ લાખ રૂપિયાની છેતરપિ‍ંડી કરી

22 January, 2023 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગપુરમાં પ્લૉટ લેવા રૂપિયા આપ્યા તો મિત્રએ પોતાના જ નામે પ્લૉટ ખરીદી લીધો

ઉમેશ યાદવે જે મિત્રને નોકરી આપી તેણે ૪૪ લાખ રૂપિયાની છેતરપિ‍ંડી કરી

ભારતીય પેસ બોલર ઉમેશ યાદવે નાગપુરમાં રહેતા જે મિત્રને નોકરી આપીને તેને પોતાનો મૅનેજર બનાવ્યો તેણે જ ઉમેશ સાથે ૪૪ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે ગઈ કાલે પત્રકારોને આપેલી માહિતીમાં જણાવ્યું કે ૩૭ વર્ષના શૈલેષ ઠાકરે ઉમેશને નાગપુરમાં તેના નામે પ્લૉટ ખરીદી આપવાના બહાને તેની સાથે આ ચીટિંગ કરી હતી. ૩૫ વર્ષનો ઉમેશ યાદવ નાગપુર શહેરનો છે અને તેણે નાગપુર જિલ્લાના કોરાડીમાં રહેતા શૈલેષ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઉમેશ ૨૦૧૦થી ભારત વતી રમે છે. ૨૦૧૪માં જ્યારે ઉમેશની ભારતીય ટીમની એક સિરીઝ માટે પસંદગી કરાઈ ત્યાર બાદ ઉમેશે શૈલેષને પોતાનો મૅનેજર બનાવ્યો હતો. એફઆઇઆરમાં જણાવાયા મુજબ શૈલેષ ત્યારે બેરોજગાર હોવાથી ઉમેશે તેને પોતાને ત્યાં જ નોકરી આપી હતી. જોકે શૈલેષ ત્યારથી ઉમેશનો વિશ્વાસ જીતવાની જ કોશિશમાં રહેતો હતો અને ઉમેશનાં બૅન્ક અકાઉન્ટ, ઇન્કમ ટૅક્સ તથા તેની અન્ય નાણાકીય બાબતો સંભાળતો હતો. થોડા સમય પહેલાં ઉમેશને નાગપુરમાં એક પ્લૉટ ગમી ગયો ત્યારે 
શૈલેષે તેને એ ૪૪ લાખ રૂપિયામાં અપાવી દેવાનું વચન આપતાં ઉમેશે તેના બૅન્ક ખાતામાં ૪૪ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. 
જોકે શૈલેષે એ પ્લૉટ પોતાના નામે જ ખરીદી લીધો અને ઉમેશને જ્યારે હકીકતની જાણ થઈ ત્યારે તેને (શૈલેષને) ઉમેશે એ પ્લૉટ પોતાના નામે ટ્રાન્સફર કરી દેવા કહ્યું હતું, પરંતુ શૈલેષે ચોખ્ખી ના પાડી દેતાં ઉમેશે પોલીસમાં ફરિયાદ કરી હતી.

sports news cricket news nagpur