24 July, 2023 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅન્ચેસ્ટરમાં બાર્મી આર્મીના મેમ્બર્સે સ્ટેડિયમની બહાર રમવાનું શરૂ કરી દીધું હતું. એક ગ્રુપ કચરાપેટીને સ્ટમ્પ્સ બનાવીને રમ્યું હતું (ડાબે) તો બીજા એક જૂથમાંના એક બૅટરે કૃત્રિમ ઊંચું બૂટ પહેરીને રમીને સૌ કોઈનું મનોરંજન કર્યું હતું (જમણે).
૧૬ જૂનના પહેલા દિવસથી જ રોમાંચક અને રસાકસીભરી બનેલી ઍશિઝ ટેસ્ટમાં ગઈ કાલે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે મેઘરાજાએ સૌકોઈને નિરાશ કર્યા હતા અને સિરીઝમાં ૨-૧થી આગળ રહેલી ઑસ્ટ્રેલિયન ટીમે મૅન્ચેસ્ટરની ટેસ્ટ-મૅચ ડ્રૉ જાહેર થતાં હવે પાંચ મૅચવાળી આખી સિરીઝ જ ઑસ્ટ્રેલિયાની ૩-૧ની જીત સાથે અથવા ૨-૨થી ડ્રૉમાં જવાની સંભાવના મજબૂત બનતાં પૅટ કમિન્સની ટીમે ઐતિહાસિક ઍશિઝ અર્ન પર કબજો જમાવી લીધો હતો.
ઍશિઝ અર્ન એટલે કે એક પાત્રમાં એવી ઐતિહાસિક રાખ છે જે ક્રિકેટ બૉલને બાળવામાં આવતાં બની હતી અને એને ટ્રોફી જેવા પાત્રમાં ભરવામાં આવી હતી. બીજી એક માન્યતા એવી છે કે આ રાખ એ છે જે દાયકાઓ પહેલાં એક મહિલાએ માથું ઢાંકવા માટે જે કપડાંનો ઉપયોગ કર્યો હતો એ કપડાંને બાળીને તૈયાર કરવામાં આવી હતી અને એને આ પાત્રમાં ભરવામાં આવી હતી.
મૅન્ચેસ્ટરમાં ગઈ કાલની મેઘરાજાની મહેર પહેલાંના ચાર દિવસમાં મૅચના પરિણામની શક્યતા વચ્ચે ઘણા વળાંકો આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના પ્રથમ દાવના ૩૧૭ રનના જવાબમાં ઇંગ્લૅન્ડે ઝૅક ક્રૉવ્લીના ૧૮૯, બેરસ્ટૉના અણનમ ૯૯ તથા જો રૂટના ૮૪ રનની મદદથી ૫૯૨ રન બનાવ્યા હતા અને ૨૭૫ રનની લીડ લીધી હતી. શનિવારના ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાનો દાવ ૨૧૪ રને પાંચ વિકેટના સ્કોર સાથે અટક્યો હતો અને ગઈ કાલે એ જ સ્કોર સાથે ધોધમાર વરસાદને લીધે મેદાન રમવાલાયક ન બનતાં છેલ્લા દિવસની રમત ઘણા કલાકો સુધી શરૂ નહોતી થઈ શકી અને છેવટે મૅચ ડ્રૉ જાહેર કરાઈ હતી.