04 May, 2025 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી
વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) ખાતે એક પૅનલ-ચર્ચા દરમ્યાન ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રવિ શાસ્ત્રીએ ટેક્નૉલૉજી મામલે પ્લેયર્સને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે.
તેમણે કહ્યું કે ‘મીડિયા અને ટેક્નૉલૉજી વિના રમત છેલ્લાં ૪૦-૪૫ વર્ષોમાં જે રીતે વિકસિત થઈ છે એ રીતે વિકસિત થઈ ન હોત. અમારા રમતના દિવસોમાં ફક્ત બે જ માધ્યમ હતાં, રેડિયો અને દૂરદર્શન (ટીવી), પરંતુ ભારતીય ટીમે ૧૯૮૩નો વર્લ્ડ કપ જીત્યા પછી ક્રિકેટ ખૂબ આગળ વધી ગઈ છે. એવું લાગે છે કે તમારી કિટ-બૅગમાં પૅડ્સ હોય, બૅટ હોય, મીડિયા કિટ-બૅગનો એક ભાગ હોય. મીડિયા અને ટેક્નૉલૉજી તમારી ક્રિકેટ-બૅગમાં રહેલી હેલ્મેટ જેવાં છે, તમે એને ખુશીથી અપનાવો.’
ટેક્નૉલૉજીના ફાયદા વિશે વાત કરતાં તેમણે આગળ કહ્યું કે ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ હવે મોટા પાયે થઈ રહ્યો છે. આ તમારા ફાયદા માટે છે. એ ટીમના ફાયદા માટે છે અને રમતના વિકાસ માટે છે. હવે ટેક્નૉલૉજી તમને તમારા વિરોધી વિશે, તમારા વિશે, તમારી શક્તિઓ વિશે, તમારી નબળાઈઓ વિશે ઘણુંબધું વિગતવાર કહી શકે છે.’