ન્યુઝ શૉર્ટમાં : T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જર્સીને મળ્યો કેસરિયો રંગ અને વધુ સમાચાર

07 May, 2024 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વિમેન્સ વર્લ્ડ કપ માટે શ્રીલંકા અને સ્કૉટલૅન્ડે કર્યું ક્વૉલિફાય , યુગાન્ડાનો ફ્રૅન્ક ન્સુબુગા T20 વર્લ્ડ કપ 2024નો સૌથી ઓલ્ડ ખેલાડી બન્યો

ભારતીય ટીમની જર્સી

પહેલી જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ગઈ કાલે ભારતીય ટીમની જર્સી જાહેર કરવામાં આવી હતી. અડિડાસે શૅર કરેલા વિડિયોમાં કૅપ્ટન રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ ધરમશાલાના મેદાન પર જોવા મળ્યા હતા. સુંદર પહાડો પાસેથી ઍનિમેશનની મદદથી હેલિકૉપ્ટર બતાવીને T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જર્સી દુનિયા સામે જાહેર કરવામાં આવી હતી. નવી જર્સીના કૉલર પર તિરંગા રંગના પટ્ટા અને બાજુ પર કેસરિયો રંગ આપવામાં આવ્યો છે. બાકીના ભાગને ભૂરો રંગ આપી જર્સીના વચ્ચે INDIA લખેલી આ જર્સી આજે સવારે ૧૦ વાગ્યાથી અડિડાસના શો-રૂમ પરથી ખરીદી શકાશે. 

T20 વિમેન્સ વર્લ્ડ કપ માટે શ્રીલંકા અને સ્કૉટલૅન્ડે કર્યું ક્વૉલિફાય

ત્રીજી ઑક્ટોબરથી બંગલાદેશમાં શરૂ થનારા T20 વિમેન્સ વર્લ્ડ કપ 2024 માટે શ્રીલંકા અને સ્કૉટલૅન્ડની વિમેન્સ ટીમે ક્વૉલિફાય કર્યું છે. અબુ ધાબીમાં રમાઈ રહેલી ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં આયરલૅન્ડને ૮ વિકેટે હરાવીને સ્કૉટલૅન્ડે વિમેન્સ વર્લ્ડ કપ માટે પહેલી વાર ક્વૉલિફાય કર્યું છે. જ્યારે શ્રીલંકન ટીમે UAEને ૧૫ રનથી હરાવીને ક્વૉલિફાય કર્યું હતું. આજે રમાનારી ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં જે ટીમ ચૅમ્પિયન બનશે એને ગ્રુપ Aમાં જ્યારે રનર-અપ ટીમને ગ્રુપ Bમાં સ્થાન મળશે.

યુગાન્ડાનો ફ્રૅન્ક ન્સુબુગા T20 વર્લ્ડ કપ 2024નો સૌથી ઓલ્ડ ખેલાડી બન્યો

T20 વર્લ્ડ કપ માટે પહેલી વાર ક્વૉલિફાય થનાર યુગાન્ડાએ ગઈ કાલે T20 વર્લ્ડ કપ 2024 માટેની પોતાની ટીમની જાહેરાત કરી હતી. કૅપ્ટન બ્રાયન મસાબા અને વાઇસ કૅપ્ટન રિયાઝત અલી શાહ સહિત ૧૫ સભ્યોની સ્ક્વૉડ સાથે બે રિઝર્વ ખેલાડીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. યુગાન્ડાના ઑફ-સ્પિનર ​​ફ્રૅન્ક ન્સુબુગા ૪૩ વર્ષની ઉંમરે આગામી T20 વર્લ્ડ કપમાં રમનાર સૌથી ઓલ્ડ ક્રિકેટર બનવા માટે તૈયાર છે. ૨૦ વર્ષની કરીઅરમાં ૮૨ T20 રમનાર ​​ફ્રૅન્ક ન્સુબુગાએ ૫.૧૮ની ઇકૉનૉમીથી રન આપીને ૭૬ વિકેટ ઝડપી છે. એક ઑલરાઉન્ડર તરીકે તેણે ૪૦૨ રન ફટકારવાની સાથે ૧૯ કૅચ પણ ઝડપ્યા છે. ગ્રુપ Cનો ભાગ બનેલી આ ટીમ ૩ જૂનથી અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. 

યુગાન્ડાની ટીમ : બ્રાયન મસાબા (કૅપ્ટન), રિયાઝત અલી શાહ (વાઇસ-કૅપ્ટન), કૅનેથ વાઇસ્વા, દિનેશ નાકરાણી, ફ્રૅન્ક ન્સુબુગા, રોનક પટેલ, રોજર મુકાસા, કોસ્માસ ક્યુવ્યુતા, બિલાલ હસન, ફ્રેડ અચેલમ, રૉબિન્સન ઓબુયા, સિમોન સેસેસેન, હેસાજી, અલ્પેશ રામજિયાણી અને જુમા મિયાજી.
રિઝર્વ ખેલાડીઓ : રોનલ્ડ લુતાયા અને ઇનોસન્ટ મેવેબેઝ.

sports news sports cricket news scotland sri lanka t20 world cup indian cricket team