23 May, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈ ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે T20 મુંબઈ લીગની ત્રીજી સીઝન માટે નવા શેડ્યુલની જાહેરાત કરી છે જે હવે ચોથીથી ૧૨ જૂન દરમ્યાન બે સ્થળોએ રમાશે. અગાઉ આ ટુર્નામેન્ટ સંપૂર્ણપણે વાનખેડે સ્ટેડિયમમાં ૨૬ મેથી ૮ જૂન સુધી રમવાની હતી, પરંતુ હવે કેટલીક મૅચ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પણ યોજાશે.
આ ટુર્નામેન્ટ IPLના સમાપન (ત્રીજી જૂન) પછીના એક દિવસ પછી શરૂ થશે. લીગ તબક્કા દરમ્યાન બન્ને સ્થળોએ દિવસમાં ચાર મૅચ રમાશે. ડી. વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે અને સાંજે ૫.૩૦ વાગ્યે, જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં બપોરે ૨.૩૦ અને સાંજે ૭.૩૦ વાગ્યે મૅચ યોજાશે.
ત્રીજી સીઝનમાં કુલ આઠ ટીમો વચ્ચે લીગ સ્ટેજની ૨૦ સહિત ૨૩ મૅચ રમાશે. દરેક ટીમ લીગ તબક્કામાં પાંચ મૅચ રમશે અને ટોચની ચાર ટીમો સેમી-ફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ જૂને સેમી-ફાઇનલની બે મૅચ અને ૧૨ જૂને ફાઇનલ મૅચ વાનખેડે સ્ટેડિમમાં રમાશે. ૧૧ અને ૧૩ જૂન, નૉકઆઉટ મૅચો માટે રિઝર્વ-ડે તરીકે રહેશે.