કોમેન્ટરી દરમિયાન સુરેશ રૈનાએ કહ્યું ‘હું બ્રાહ્મણ છું’, સોશ્યલ મીડિયા પર થઈ રહી છે ટીકા

22 July, 2021 04:25 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

તામિળનાડુ પ્રીમિયર લીગની કોમેન્ટરી દરમિયાન ક્રિકેટરે આપેલા નિવેદને હોબાળો મચાવ્યો છે

સુરેશ રૈના (તસવીર સૌજન્યઃ એ.એફ.પી.)

ભારતના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) હંમેશા વિવાદોમાં ઘેરાયેલો રહે છે. હવે તેણે વધુ એક વિવાદને આમંત્રણ આપ્યું છે. ક્રિકેટરે આપેલા એક નિવેદનને કારણે સોશ્યલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. તામિળનાડુ પ્રીમિયર લીગ (TNPL)ની પાંચમી સીઝનની શરૂઆતની મેચ માટે કોમેન્ટરી કરવા સુરેશ રૈનાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કોમેન્ટરી દરમિયાન એક સવાલના જવાબમાં તેણે પોતાને બ્રાહ્મણ ગણાવ્યો હતો. તેના જવાબથી યુઝર્સ રોષે ભરાયા છે.

સુરેશ રૈના ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League - IPL)માં તે ચૈન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings - CSK) તરફથી રમે છે. TNPLની મેચમાં કોમેન્ટરી કરતા રૈનાએ કહ્યું હતું કે, તે એક બ્રાહ્મણ છે અને આ જ કારણે તેને ચેન્નઇની સંસ્કૃતિને અપનાવવા માટે કોઈ મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો. રૈનાનું આ નિવેદન ફેન્સને જરા પણ ગમ્યુ નથી અને સોશ્યલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો હતો.

મેચ દરમિયાન એક કોમેન્ટેટરે રૈનાને પુછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી છે. એના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું, મને લાગે છે કે હું પણ બ્રાહ્મણ છું. હું વર્ષ ૨૦૦૪થી ચેન્નઈમાં રમું છું, મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે પણ રમ્યો છું. સુબ્રહ્મણ્યમ બદ્રીનાથ અને એલ. બાલાજી પણ ત્યાં છે. મને ચેન્નઈની સંસ્કૃતિ પસંદ છે. હું ભાગ્યશાળી છું કે હું સીએસકેનો ભાગ છું. તમને જણાવી દઈએ કે, સુરેશ રૈના વર્ષ ૨૦૦૮થી જ આઇપીએલની પ્રથમ સિઝનથી સીએસકે તરફથી રમી રહ્યો છે.

રૈનાનું આ નિવેદન ફેન્સને જરા પણ ગમ્યુ નથી. એક યુઝરે લખ્યું છે કે, ‘સુરેશ રૈના, તમને શરમ આવવી જોઈએ. એવું લાગે છે કે, તમે ઘણા વર્ષોથી ચેન્નઈની ટીમ માટે રમી રહ્યા છો પરંતુ, તમે ચેન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો ક્યારેય અનુભવ કર્યો નથી’.

જોકે, રૈનાને આ મુદ્દે પૂર્વ ભારતીય વિકેટકીપર કીર્તિ આઝાદનો ટેકો મળ્યો છે. ટ્રોલર્સને પ્રતિક્રિયા આપતા આઝાદે ટ્વીટ કર્યું કે, ‘હું પણ બ્રાહ્મણ છું, વાંધો શું છે ભાઈ’.

નોંધનીય છે કે, સુરેશ રૈનાએ ભારત તરફથી ૨૨૬ વનડેમાં ૩૫.૩૧ની સરેરાશથી ૫,૬૧૫ રન બનાવ્યા હતા. તેણે ૫ સદી અને ૩૬ અર્ધ સદી ફટકારી હતી. જ્યારે ટી-20માં ૬૬ ઇનિંગ્સમાં ૨૯.૧૮ની સરેરાશથી ૧,૬૦૫ રન બનાવ્યા હતા. તેના નામ પર ટી-20માં સદી પણ છે. તેણે ૧૮ ટેસ્ટ મેચ પણ રમી હતી. જેમાં તેણે સદીની મદદથી ૭૬૮ રન બનાવ્યા હતા.

sports sports news cricket news suresh raina