મુંબઈ ક્રિકેટના મોભી સુધીર નાઈકનું નિધન

06 April, 2023 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત વતી ત્રણ ટેસ્ટ અને બે વન-ડે રમનાર આ ખેલાડી ગાવસકર, એન્જિનિયર સાથે ઓપનિંગમાં રમ્યા હતા : ઘણાં વર્ષો સુધી વાનખેડે સ્ટેડિયમમાં પિચ ક્યુરેટર હતા

સુધીર નાઈક ૧૯૭૦ના દાયકામાં મુંબઈના ટોચના ખેલાડી અને નિવૃત્તિ બાદ પિચ ક્યુરેટર હતા.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને ઓપનિંગ બૅટર સુધીર નાઈકનું ગઈ કાલે મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ૭૮ વર્ષના હતા. થોડા દિવસ પહેલાં તેઓ દાદરમાં પોતાના ઘરમાં પડી જતાં તેમને માથામાં ઈજા થઈ હતી અને હિન્દુજા હૉસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ગઈ કાલે સાંજે તેમની તબિયત વધુ બગડી ગઈ હતી અને તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

તેઓ ઘણાં વર્ષો સુધી વાનખેડે સ્ટેડિયમમાં પિચ ક્યુરેટર હતા. ૨૦૧૧માં વાનખેડેમાં ભારતે શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી ત્યારે તેઓ વાનખેડેના ક્યુરેટર હતા.
રવિવાર, ૨ એપ્રિલે ટેસ્ટ ઑલરાઉન્ડર સલીમ દુરાનીનું નિધન થયા બાદ હવે ભારતીય ક્રિકેટે ત્રણ જ દિવસમાં બીજા ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડી ગુમાવ્યા છે. સુધીર નાઈક બે વન-ડે પણ રમ્યા હતા. સુધીર નાઈકને ભૂતપૂર્વ પ્લેયર્સ ઝહીર ખાન અને વસીમ જાફર ગુરુ માનતા હતા.

૧૯૭૪માં ત્રણ ટેસ્ટ રમ્યા

સુધીર સખારામ નાઈક મુંબઈના પીઢ ક્રિકેટર અને નિષ્ણાત હતા. તેઓ ૧૯૭૪માં ત્રણ ટેસ્ટ રમ્યા હતા, જેમાં તેમણે સુનીલ ગાવસકર અને ફરોખ એન્જિનિયર સાથે દાવની શરૂઆત 
કરી હતી.

સુધીર નાઈકે ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામે કુલ ૬ ટેસ્ટ ઇનિંગ્સમાં કુલ ૧૪૧ રન બનાવ્યા હતા અને ૭૭ રન તેમનો હાઇએસ્ટ સ્કોર હતો. એ રન તેમણે ઇંગ્લૅન્ડ સામે ડેરેક અન્ડરવુડ, જ્યૉફ આર્નોલ્ડ, માઇક હેન્ડ્રિક, ક્રિસ ઑલ્ડ અને ટૉન ગ્રેમ જેવા ખ્યાતનામ બોલર્સ સામે બનાવ્યા હતા.

મુંબઈ વતી ૪૨૦૦થી વધુ રન

સુધીર નાઇકે મુંબઈ વતી કુલ ૮૫ મૅચમાં ૩૫.૨૯ની સરેરાશે ૪૩૭૬ રન બનાવ્યા હતા, જેમાં ૭ સેન્ચુરી અને ૨૭ હાફ સેન્ચુરી સામેલ હતી.

મુંબઈને અપાવ્યું રણજી ટાઇટલ

૧૯૭૦-’૭૧માં મુંબઈએ સુધીર નાઈકની કૅપ્ટન્સીમાં રણજી ટ્રોફી જીતી હતી. ૧૯૭૩માં બરોડા સામેની રણજી મૅચમાં તેમણે ૨૦૦ રન બનાવીને અણનમ રહ્યા હતા.

sports news sports indian cricket team cricket news test cricket mumbai ranji team ranji trophy ranji trophy champions